ઈમરાનના નિર્ણય અદાલતને આધિનઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ હવે સુપ્રિમ કોર્ટ પહોંચી ગયું છે. આ વચ્ચે પાકિસ્તાન સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલે દેશની સરકારી સંસ્થાઓને ચેતવણી આપતાં ગૈર બંધારણીય પગલાં ના લેવા માટે આદેશ આપ્યો છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કહ્યું કે, સંસદના વિઘટનના સંબંધમાં  પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ દ્વારા શરુ કરાયેલા આદેશ અને કાર્યો હવે કોર્ટના આદેશને આધિન રહેશે. આ સાથે જ સુપ્રિમ કોર્ટે અવિશ્વાસ પ્રસ્તાવના સંબંધમાં સંસદના ડે. સ્પિકર કાસિમ સૂરીએ લીધેલા નિર્ણયને રદ્દ કરવાની અરજીને ફગાવી દીધી છે. જો કે, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશે પીપીપીના અનુરોધને સ્વીકાર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ ડેપ્યુટી સ્પિકરના કામોની સમીક્ષા કરશે.


સુપ્રિમ કોર્ટનો આદેશઃ
સુપ્રિમ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન ચીફ જસ્ટીસે કહ્યું કે, નેશનલ અસેંબલી (સંસદ)ના વિઘટનના સંબંધનમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ દ્વારા શરુ કરવામાં આવેલા બધા આદેશ અને કામો કોર્ટના આદેશને આધિન રહેશે. કોર્ટે બધી રાજકીય પાર્ટીઓને જવાબદારી પૂર્વક કામ કરવાનો આદેશ પણ આપ્યો છે અને કહ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવી ના જોઈએ. 


ચીફ જસ્ટીસે કહ્યું કે, દેશની કોઈ પણ સંસ્થાએ બંધારણની વિરુદ્ધમાં જઈને કોઈ પણ પગલું ના ભરવું જોઈએ. કોઈએ પણ દેશની હાલની સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. સુપ્રિમ કોર્ટે પાકિસ્તાનના આંતરિક અને રક્ષા સચિવોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કોર્ટને જાણકારી આપવાનો પણ આદેશ કર્યો છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં આ મામલે હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો હતો.


વિપક્ષને ઝટકોઃ
પાકિસ્તાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની બેંચે ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવાનો નેશનલ અસેંબલીના અધ્યક્ષના નિર્ણયને રદ્ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને અરજીને ફગાવી દીધી છે. જેથી વિપક્ષી પાર્ટીઓને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે.