Mehreen Shah alleges sexual harassment : 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ' એ મનોરંજન ઉદ્યોગની કડવી વાસ્તવિકતા છે. બોલિવૂડથી લઈને લોલીવુડ સુધી ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓએ જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. હવે પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ મેહરીન શાહે પાકિસ્તાની નિર્દેશક અને ભારતીય નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.


અભિનેત્રીએ વર્ણવી પીડા 


મેહરીન શાહ પાકિસ્તાની સિનેમાની ઉભરતી અભિનેત્રી છે. તેણે નિર્દેશક એહસાન અલી ઝૈદી અને ભારતીય નિર્માતા રાજ ગુપ્તા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, અઝરબૈજાનની રાજધાની બાકુમાં એક શૂટિંગ દરમિયાન પાકિસ્તાની નિર્દેશક અને ભારતીય નિર્માતા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો શેર કરીને મેહરીન શાહે પોતાની સાથે થયેલા આ ગેરવર્તણૂક વિશે જણાવ્યું છે.


અભિનેત્રીએ વીડિયોમાં કહ્યું હતું કે, એહસાન અલી ઝૈદી અને રાજ ગુપ્તા સાથે કામ કરવું તેના માટે ખૂબ જ ડરામણો અનુભવ રહ્યો છે. મેહરીને જણાવ્યું કે જ્યારે તેણે પાકિસ્તાની નિર્દેશક એહસાન અલી ઝૈદી અને ભારતીય નિર્માતા રાજ ગુપ્તાની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે અભિનેત્રીને ઘણી હેરાનગતિ કરી હતી.


મેહરીનને ભૂખી રાખવામાં આવી હતી


અભિનેત્રીએ કહ્યું- આ બધું કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે છોકરીઓ સાવધાન રહે. હું પહેલીવાર એહસાન અલી ઝૈદી સાથે કામ કરી રહી છું. હું તેમને કેટલાક સંદર્ભ દ્વારા મળી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, એહસાન અલી ઝૈદી સાથે એક ભારતીય નિર્માતા રાજ ગુપ્તા હતા, જે તેમની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શરૂઆતમાં અભિનેત્રીએ અવગણના કરી. પરંતુ જ્યારે તેણે બંનેની વાત માનવાની ના પાડી તો તેણે અભિનેત્રી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું. ન તો મેહરીનને ખાવાનું આપ્યું અને જ્યારે તે બીમાર પડી ત્યારે તેને જોવા સુદ્ધા કોઈ નહોતુ આવ્યું.


મેહરીને જણાવ્યું હતું કે, નિર્માતા અને નિર્દેશક બંને સેક્સ વર્કર્સને હોટલમાં બોલાવતા હતાં. આ બધું જોઈને તે એકદમ બેચેની અને વિચિત્ર અહેસાસ થતો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે અઝરબૈજાનમાં છે અને પાકિસ્તાન પરત ફરવા માટે તેણે જાતે જ ટિકિટ બુક કરાવવી પડશે. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને એવો પણ ડર સતાવી રહ્યો છે કે નિર્માતા તેની ટિકિટ કેન્સલ કરી શકે છે. અભિનેત્રીએ અન્ય સ્ટાર્સને પણ આવા લોકોથી સાવધાન રહેવાની સલાહ આપી છે.