ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મોડલ સહિત કેટલાક ટિકટોકર્સ પર ફોલોઅર્સ વધારવા માટે જંગલમાં આગ લગાવવાનો આરોપ છે. આ ઘટનાના અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, એક મોડલે ફોલોઅર્સ વધારવા માટે જંગલમાં આગ લગાવી હતી. એક વીડિયોમાં જોઇ શકાય છે કે પાકિસ્તાની મોડલ ગાઉન પહેરીને ચાલી રહી છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં જંગલમાં આગ લાગી જોઇ શકાય છે.


અન્ય એક વીડિયોમાં કેટલાક લોકો આગ લગાવતા જોવા મળી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે અને ટિકટોકર્સની આકરી ટીકા કરી હતી. SAAMAA ના અહેવાલ અનુસાર, પર્યાવરણ અધિકારીઓ આ મામલે કન્ટેન્ટ સર્જકો વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે.


ત્રણ ટિકટોકર ઈસ્લામાબાદ અને એબોટાબાદના છે. કંઈક અલગ કરવાની લ્હાયમાં તેઓએ આ પરાક્રમ કર્યું હતું.  જો કે, ખૈબર પખ્તુનવા પોલીસે આ કેસમાં એબોટાબાદમાંથી એક ટિકટોકરની ધરપકડ કરી છે અને તેના સાથીદારની શોધ કરવામાં આવી રહી છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મોડલ અને ટિકટોકર ડોલી ગાઉનમાં પર્વત પરથી ઉતરતી જોવા મળી રહી છે. આ મોડલના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 4 લાખ 70 હજાર ફોલોઅર્સ છે. SAMAA દ્વારા વીડિયોની ચકાસણી કરવામાં આવી નથી. પરંતુ, ડોલીના આ વીડિયોનો સ્ક્રીનશોર્ટ  સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અન્ય એક વીડિયો વાયરલ થયો છે જેમાં બે લોકો જંગલમાં આગ લગાવતા જોવા મળે છે.


પર્યાવરણ વિભાગે પોલીસને ફરિયાદ કરી


આ મામલામાં ઇસ્લામાબાદમાં પર્યાવરણ વિભાગે કોહસર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને 'પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1997' હેઠળ ટિકટોકર ડોલી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ વીડિયો ઈસ્લામાબાદ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ બોર્ડના ચેરપર્સન રીના ખાને પણ શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું- 'આ પ્રકારનો ટ્રેન્ડ ખૂબ જ પરેશાન કરનારો છે. યુવાનો ફોલોઅર્સ વધારવા માટે જંગલમાં આગ લગાવી રહ્યા છે. તેમણે આવા લોકોની ધરપકડ કરવાની માંગ કરી છે.


આ મામલે ટિકટોકના પ્રવક્તાએ કહ્યું કે આ એક્ટ કમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન છે. આવી ગેરકાયદેસર અને ખતરનાક પ્રવૃત્તિઓ માટે Tiktok પર કોઈ સ્થાન નથી.