પાકિસ્તાનમાં મોંઘવારી દિવસેને દિવસે આસમાને પહોંચી રહી છે. શાકભાજી અને દૂધના ભાવમાં સતત તેજી બાદ હવે પ્રજા પર મોંઘા પેટ્રોલ-ડીઝલનો માર પડી રહ્યો છે. જોકે આવનારા દિવસોમાં ભાવમાં ભડકો જોવા મળી શકે છે.

જોકે પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિ (ઇસીસી)એ શુક્રવારના રોજ થયેલી બેઠકમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત દેશમાં મે મહિના માટે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં લીટર દીઠ 9 રૂપિયાનો વધારો કરી દીધો છે તેમ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે.

આ વધારાની સાથે પાકિસ્તાનમાં પેટ્રોલના લીટર દીઠ ભાવ રૂપિયા 108 પર પહોંચી ગયું છે. જ્યારે બેઠકમાં ડીઝલના ભાવમાં લીટર દીઠ 4.89 રૂપિયા, લાઈટ ડીઝલમાં 6.40 રૂપિયા, કેરોસીનના ભાવમાં લીટર દીઠ રૂપિયા 7.46 સુધીના પ્રસ્તાવિત વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે.

જોકે ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 14 રૂપિયાના વધારાની ભલામણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન ઇમરાન ખાને આ કેસને ઇસીસીની પાસે મોકલી દીધો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં વધારો અને કરન્સી અવમૂલ્યનના લીધે આ નિર્ણય લેવાયો હતો.