Philippines Ferry Fire News: દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ ફિલિપિન્સમાં ગુરુવારે (30 માર્ચ) એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં આગને કારણે ઘણા લોકો દાઝી ગયા છે. આ ભયાનક અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.






ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ ઘટના પ્રશાંત મહાસાગરમાં ત્યારે બની જ્યારે ફિલિપિન્સમાં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટી થઈ છે અને 7 લોકો ગુમ હોવાનું કહેવાય છે.


ફિલિપિન કોસ્ટ ગાર્ડ્સ (PCG) એ અહેવાલ આપ્યો કે પેસેન્જર ફેરી દક્ષિણ ફિલિપાઈન્સના દરિયામાંથી પસાર થઈ રહી હતી ત્યારે બલુક ટાપુ નજીક આગ લાગી હતી. બલુક ટાપુ ફિલિપાઈન્સના બેસિલાન પ્રાંતમાં આવે છે. ઝામ્બોગા સ્થિત ફિલિપિન કોસ્ટ ગાર્ડ (PCG)ના જણાવ્યા અનુસાર, આગને કાબૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


બેસિલાનના દક્ષિણી ટાપુ પ્રાંતના ગવર્નર જિમ હેટમેને જણાવ્યું હતું કે આગ ફાટી નીકળ્યા બાદ ઘણા લોકો ગભરાઈને કૂદી પડ્યા હતા. તેઓને કોસ્ટ ગાર્ડ, નેવી, અન્ય બોટ અને સ્થાનિક માછીમારો દ્વારા દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


દુર્ઘટનામાં ઓછામાં ઓછા 23 મુસાફરો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગવર્નર જિમ હેટમેને ન્યૂઝ એજન્સી 'ધ એસોસિએટેડ પ્રેસ' સાથે ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે 'આગને કારણે થયેલા હોબાળો થતા કેટલાક મુસાફરો જાગી ગયા હતા. કેટલાક ઓવરબોર્ડ કૂદી ગયા હતા.  અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૂબી જવાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકોના મૃતદેહ મળી આવ્યા છે.


ફિલિપિન્સમાં અકસ્માતો શા માટે થાય છે?


ફિલિપિન્સ દ્વીપસમૂહમાં દરિયાઇ અકસ્માતો સામાન્ય છે, ખાસ કરીને દૂરના પ્રાંતોમાં, વારંવારના તોફાનો, ખરાબ નૌકાઓ, વધુ ભીડ અને સલામતી નિયમોના ઢીલા અમલને કારણે અહી દુર્ઘટનાઓ થાય છે.