World Super Typhoon: હાલમાં વિશ્વના ત્રણ દેશો કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યા છે. અમેરિકા, ફિલિપિન્સ અને કેનેડામાં ત્રણ અલગ-અલગ તોફાનોએ તબાહી મચાવી છે. ત્રણેય દેશોએ તેમના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. ઈયાન ટાયફૂનને કારણે અમેરિકાના ફ્લોરિડામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે.
આ સાથે કેનેડામાં સ્થિતિ ચિંતાજનક છે. શનિવારે સવારે કેનેડામાં ત્રાટકેલા વાવાઝોડા ફિઓનાએ ઘણી તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે પવનની ઝડપ ખૂબ જ વધુ હતી અને વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ મોટા વૃક્ષો પડી ગયા હતા અને વીજ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.
બીજી તરફ ફિલિપિન્સમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. સુપર ટાયફૂન નોરુ ઝડપથી ફિલિપિન્સ તરફ આગળ વધી રહ્યું છે. ફિલિપિન્સની રાજધાની મનીલા સહિત અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
અમેરિકામાં ઇયાન તોફાન
અમેરિકાના ફ્લોરિડામાં ઈયાન તોફાનના કારણે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તોફાન વધુ મજબૂત થશે તેવી આગાહી કરવામા આવી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તોફાનને લઇને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરાઇ છે. વાઝોડાની સંભવિત અસરોને ટ્રેક કરવા માટે તમામ રાજ્ય અને સ્થાનિક સરકારના ભાગીદારો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓને મદદ પૂરી પાડવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડામાં ફિઓના વાવાઝોડુ
કેનેડામાં ફિયોના તોફાનના કારણે શનિવારે વહેલી સવારે લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે પૂર્વી કેનેડામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો અને વીજળી ડુલ થઇ ગઇ છે. વાવાઝોડાને કારણે પ્યુર્ટો રિકો અને ડોમિનિકન રિપબ્લિકમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. પાવર કટ થતા લોકોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી. સ્થાનિક કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તોફાન પહેલા દેશમાં લગભગ 1.50 લાખ લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ફિલિપિન્સમાં તોફાન નોરુ
સુપર ટાયફૂન નોરુ ઝડપથી ફિલિપિન્સ તરફ આગળ વધી રહ્યું છે. નોરુના કારણે 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત ટાયફૂન નોરુમાં પવનની ઝડપ 300 કિમી પ્રતિ કલાકથી વધી શકે છે. ફિલિપિન્સ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે રાજધાનીની દક્ષિણે આવેલા બંદરોમાં 1,200 થી વધુ મુસાફરો અને 28 જહાજો ફસાયેલા છે.