દક્ષિણ કોરિયામાં રવિવારે (29 ડિસેમ્બર) એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ. રોયટર્સે યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે, પ્લેન રનવે પરથી સ્લિપ થઇ જતાં અને દિવાલમાં અથડાતા ભીષણ આગ લાગી હતી, 60થી વધુના મોતના સમાચાર છે. પ્લેનમાં 181 લોકો સવાર હતા.યોનહાપના પ્રારંભિક અહેવાલો અનુસાર, પ્લેનમાં થયેલા વ્યાપક નુકસાનને જોતા મૃત્યુઆંક વધી શકે છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. આ પ્લેન થાઇલેન્ડથી પરત ફરી રહ્યું હતું.
લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો
યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. આ અકસ્માત લેન્ડિંગ સમયે થયો હતો. મુઆન એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર અધિકારીઓએ કહ્યું હતું કે, તેઓએ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાગેલી આગને બુઝાવી દીધી છે. રોઇટર્સ અનુસાર, મુઆન એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલુ હોવાથી બે લોકો જીવિત મળી આવ્યા છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એવું માનવામાં આવે છે કે પક્ષી ટક્કરાયું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી. જેના કારણે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન મુઆન એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે રનવે પરથી સ્લિપ થઇ જતાં દિવાલ સાથે અથડાયું હતું.
પ્રમુખ ચોઈ સાંગ-મોકે માર્ગદર્શિકા જારી કરી હતી
ધ ગાર્ડિયનના જણાવ્યાં અનુસાર, દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે કહ્યું કે, બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોક પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો