વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ ડિનર માટે એલિસી પેલેસ પહોંચ્યા હતા.  અહીં તેમનું સ્વાગત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના ફર્સ્ટ લેડી બ્રિગિટ મેક્રોન દ્વારા કરવામાં આવ્યું હતું. મેક્રોને પીએમ મોદી માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. પીએમ મોદીએ મેક્રોન દ્વારા આયોજિત ડિનર પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે હું એલિસી પેલેસમાં ડિનરનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોન અને ફર્સ્ટ લેડીનો આભારી છું.






વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું હતું, "એક નજીકના મિત્ર સાથે મુલાકાત. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઐતિહાસિક એલિસી પેલેસમાં ડિનર માટે પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ બંને નેતાઓ માટે તેમની મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવવાની તક છે.






 ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે છેલ્લી વખતે જ્યારે હું ફ્રાન્સ આવ્યો હતો ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ફ્રાન્સમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પછીના બે વર્ષના વર્ક વિઝા આપવામાં આવશે. હવે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીયોને પાંચ વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે.






પીએમ મોદીએ કહ્યું હતું કે  “મને ખુશી છે કે ભારત અને ફ્રાન્સ આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. ફ્રાન્સમાં ભારતના UPIના ઉપયોગને લઈને પણ સમજૂતી થઈ છે. હું કરાર કરીને જતો રહીશ પરંતુ તેને આગળ વધારવાનું કામ તમારું છે. આગામી દિવસોમાં તેની શરૂઆત એફિલ ટાવરથી કરવામાં આવશે. એટલે કે હવે ભારતીય પ્રવાસી મોબાઈલ એપ દ્વારા એફિલ ટાવર પર રૂપિયામાં ચૂકવણી કરી શકશે.


ડિજીટલ ઈન્ડિયા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે  "હું તમને એ પણ ચેલેન્જ આપું છું કે તમે આગામી સમયે ભારત આવો ત્યારે તમારા ખિસ્સામાં એક પણ પૈસા વગર ખાલી ખિસ્સામાં ફક્ત તમારા મોબાઈલ ફોનમાં UPI એપ ડાઉનલોડ કરીને ઘરની બહાર નીકળો." તમે આખા ભારતમાં ફરીને આવશો, એક પણ રૂપિયાની રોકડની જરૂર રહેશે નહીં.


પીએમ મોદીએ કહ્યું હતું "મને આજે કહેવામાં આવ્યું કે આજે આ ફંકશનમાં એવા ઘણા લોકો છે જેઓ અહીં પહોંચવા માટે 11-11, 12-12 કલાકની મુસાફરી કરી છે. આનાથી મોટો પ્રેમ શું હોઈ શકે, આપણે જાણીએ છીએ કે ટેક્નોલોજીના યુગમાં ઘરે બેસીને મોબાઈલ ફોન પર લાઈવ ટેલિકાસ્ટ સાંભળવું કોઈના માટે મુશ્કેલ કામ નથી, પરંતુ તેમ છતાં દૂર-દૂરથી આવતા લોકો આટલી મોટી સંખ્યામાં સમય કાઢીને આવે.. મારા માટે ખૂબ જ ભાગ્યશાળી અવસર છે કે મને તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો. હું અહીં આવવા માટે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.