Gurpatwant Singh Pannu : ખાલિસ્તાન તરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. હવે તેણે 2023ના ક્રિકેટ વર્લ્ડકપમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપી છે. પન્નુનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે આતંકી હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાની ધમકી આપી રહ્યો છે. તાજેતરમાં કેનેડામાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી નિજ્જરની હત્યા કરનારાઓ પકડાયા નથી.
પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં 5 ઓક્ટોબર 2023ની તારીખ બતાવવામાં આવી છે. પન્નુએ માંગ કરી હતી કે, જ્યાં સુધી તેમને નવો દેશ ન મળે ત્યાં સુધી ક્રિકેટ વર્લ્ડકપ રોકવો જોઈએ. પન્નુ અમેરિકામાં હાજર અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસના સ્થાપક છે અને સતત દેશને તોડવાની વાત કરે છે.
ભારતે જાહેર કર્યો છે આતંકવાદી
જુલાઈ 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પન્નુને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી બે મહિના પછી ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 51A હેઠળ તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. પન્નુ સતત ભારત વિરુદ્ધ અભિયાન ચલાવે છે અને પંજાબના યુવાનોને આતંકવાદ તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પન્નુએ યુકે સ્થિત આતંકવાદી પરમજીત સિંહ પમ્મા અને માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સાથે કામ કર્યું છે.
મૃત્યુની અફવા
ઉલ્લેખનેય છે, કે થોડા દિવસો પહેલા એક રોડ અકસ્માતમાં આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મોતની અફવા ઉડી હતી. આ દરમિયાન, એવું કહેવામાં આવ્યું હતું કે પન્નુની કારને યુએસ હાઇવે 101 પર અકસ્માત થયો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પન્નુના મૃત્યુની અફવા ત્યારે સામે આવી જ્યારે તે ભૂગર્ભમાં હતો. કારણ કે પાકિસ્તાનમાં પરમજીત સિંહ પંજવાડ, કેનેડામાં હરદીપ સિંહ નિજ્જર, યુકેમાં અવતાર સિંહ ખાંડાના મૃત્યુ પછી પન્નુને ડર હતો કે કદાચ તેમની પણ હત્યા થઈ જશે. ડરના કારણે પન્નુ ભૂગર્ભમાં ગયો.
ભારતમાં રમાનારા આઇસીસી વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ ટાઈટલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.
ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી લીગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 29 ઓક્ટોબરે લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ રમાશે.