PM Modi Lakshadweep Visit: માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકારમાં મંત્રી મરિયમ શિઉનાએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારત સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું હતું અને માલદીવ સરકાર સમક્ષ વાંધો વ્યક્ત કર્યો હતો. મંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હોબાળા બાદ માલદીવ હવે બેકફૂટ પર આવી ગયું છે.


માલદીવ સરકાર બોલી કાર્યવાહી કરવામાં આવશે 
માલદીવ સરકારે પોતાના મંત્રીના વિવાદાસ્પદ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. માલદીવ સરકારે કહ્યું છે કે તે અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. માલદીવની સત્તાધારી પાર્ટી પ્રૉગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM)ના નેતા ઝાહિદ રમીઝે પણ ફેસબુક પર પૉસ્ટ કરીને ભારત વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.


માલદીવ સરકારનું નિવેદન 
માલદીવ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સરકારનું માનવું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદારીપૂર્વક થવો જોઈએ. તે એવી રીતે થવો જોઈએ કે નફરત અને નકારાત્મકતા ના ફેલાય." તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ માલદીવ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચેના સંબંધોને અસર કરે તેવી રીતે ના થવો જોઈએ. માલદીવ સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ તે મંત્રીનું અંગત નિવેદન છે અને સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.


પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસનો ઉડાયો મજાક 
પીએમ મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેણે X પર ત્યાંથી ઘણા ફોટા પૉસ્ટ કર્યા હતા. જે બાદ માલદીવ સરકારના મંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની મજાક ઉડાવી હતી. આ પછી ભારતના લોકોએ #BoycottMaldives અભિયાન શરૂ કર્યું.


જે દિવસે PM નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની તસવીરો શેર કરી તે દિવસે X પર માલદીવ ટ્રેન્ડ થવા લાગ્યું અને ઘણા લોકો માલદીવને બદલે લક્ષદ્વીપની મુલાકાત લેવાની વાત કરવા લાગ્યા હતા.