PM Modi on India-Israel Relations: ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધોની 30મી વર્ષગાંઠના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કર્યો. આ સંદેશમાં તેમણે કહ્યું, “આપણી વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ રહ્યો છે. જેવો કે ભારતનો મૂળ સ્વભાવ રહ્યો છે, સેંકડો વર્ષોથી આપણો યહુદી સમુદાય ભારતીય સમાજમાં કોઇ પણ ભેદભાવ વિના ભાઇચારાના વાતવરણમાં રહે છે અને વિકસિત થયો છે. તેમણે આપણી વિકાયયાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ”
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે જ્યારે વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થઇ રહ્યા છે ત્યારે ભારત અને ઇઝરાયેલ સંબંધોનું મહત્વ વધી ગયું છે. પરસ્પર સહયોગ માટે નવું લક્ષ્ય રાખવા માટે એનાથી રૂડો અવસર કયો હશે જ્યારે ભારત તેની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે અને ઇઝરાયેલ આગામી વર્ષે તેની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ મનાવવાનું છે. ”
વડાપ્રધાને કહ્યું, “આજના જ દિવસે બન્ને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. ભલે અધ્યાય નવો હતો પરંતુ આપણા બન્ને દેશોનો ઇતિહાસ ઘણો જૂનો છે. ”
વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને શુભેચ્છા આપી
આ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું, “નમસ્તે, શાલોમ ટૂ ફ્રેન્ડશીપ. આપણે રાજકીય સંબંધોની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. ” સાથે તેમણે બન્ને દેશના સંબંધો અંગે ઇઝરાયેલના વિદેશ મંત્રી યાયર લાપિડ અને પોતે લખેલો એક લેખ રજૂ કર્યો હતો.
બન્ને દેશના ધ્વજના રંગોથી રંગાયો ઇઝરાયેલનો મસાદ કિલ્લો
રાજકીય સંબંધોની 30મી વર્ષગાંઠના પ્રસંગે ઇઝરાયેલમાં પ્રતિષ્ઠિત મસાદ કિલ્લા અને મુંબઇમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને નવી દિલ્હીમાં તીન મૂર્તિ ચોકને બન્ને દેશના રાષ્ટ્રધ્વજની રોશનીથી સજાવવામાં આવ્યા હતા. તેના વિશે ઇઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
30 વર્ષ પહેલા આજના જ દિવસે ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધો પૂર્ણ રીતે સ્થાપિત થયા હતા. ભારતે 17 સપ્ટેમ્બર 1950ના દિવસે ઇઝરાયેલને માન્યતા આપી હતી પરંતુ બન્ને દેશો વચ્ચે પૂર્ણ રાજકીય સંબંધ 29 જાન્યુઆરી 1992ના સ્થાપિત થયા હતા.