વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે દુનિયાની 17 ટકા વસ્તી હોવા છતાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો માત્ર 4 ટકા છે. તેમણે કહ્યું હતું કે દુનિયાને નષ્ટ કરવામાં અમારી કોઈ ભૂમિકા નથી. વડાપ્રધાને કહ્યું હતું કે આખી દુનિયાની સરખામણીમાં અમે ફક્ત કાર્બન ફ્યૂલ સળગાવીને પોતાની ગ્રોથને સપોર્ટ કરી શકતા હતા પરંતુ અમે ગ્રીન ટ્રાન્જિશનનો રસ્તો પસંદ કર્યો હતો. પ્રકૃતિ પ્રત્યેના અમારા સંસ્કારોએ અમને માર્ગદર્શન આપ્યું છે, તેથી અમે સૌર, પવન, હાઇડ્રો, ગ્રીન હાઇડ્રોજન અને ન્યૂક્લિયર એનર્જી પર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત જી-20નો એક એવો દેશ છે જેણે પેરિસ ક્લાઈમેટ ગોલ્સને પ્રથમ પૂર્ણ કર્યો છે. ભારતે તેની સૌર ઉર્જા સ્થાપિત ક્ષમતામાં 30 ગણો વધારો કર્યો છે. અમે દેશના દરેક ઘરને સોલાર પાવર હોમ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે અમે રૂફ ટોપ મિશન શરૂ કર્યું છે. આજે અમારા રેલવે સ્ટેશનો અને એરપોર્ટનું સોલરાઇઝેશન થઈ રહ્યું છે. ભારતે ઘરોથી લઈને રસ્તાઓ સુધી ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ માટે પ્રયાસો શરૂ કર્યા છે. ભારતમાં મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને ઈનોવેશનના આધારે આગળ વધી રહ્યું છે.
'10 વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બની'
પીએમ મોદીએ કહ્યું હતું કે તમે બધા નાલંદા યુનિવર્સિટીના નામથી પરિચિત છો. ભારતની પ્રાચીન નાલંદા યુનિવર્સિટી એક નવા અવતારમાં ઉભરી આવી છે. આજે ભારત માત્ર યુનિવર્સિટી જ નહીં પરંતુ નાલંદા સ્પિરિટને પણ પુનર્જીવિત કરી રહ્યું છે. દુનિયાભરના વિદ્યાર્થીઓએ ભારતમાં આવીને અભ્યાસ કરે, અમે આ રીતે આધુનિક ઇકો સિસ્ટમ બનાવી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે. દરરોજ 2 નવી કોલેજો બનાવવામાં આવે છે. દરરોજ નવી ITI સ્થાપવામાં આવી રહી છે. 10 વર્ષમાં ટ્રિપલ આઈટીની સંખ્યા 9થી વધીને 25 થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે.
'હવે દુનિયા ડિઝાઇન ઇન ઇન્ડિયાનો મહિમા જોશે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અત્યાર સુધી દુનિયાએ ભારતીય ડિઝાઇનર્સનો મહિમા જોયો છે. હવે દુનિયા ડિઝાઇન ઇન ઇન્ડિયાનો મહિમા જોશે. આજે સમગ્ર વિશ્વ સાથે અમારી ભાગીદારી વધી રહી છે. પહેલા ભારત સમાન અંતરની નીતિ અપનાવતું હતું, હવે ભારત સમાન નિકટતાની નીતિ અપનાવી રહ્યું છે. અમે ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યા છીએ. ભારતની પહેલ પર જી-20 સમિટમાં આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું હતું.
એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે કામ પહેલા વર્ષો લાગતા હતા તે હવે મહિનાઓમાં પૂર્ણ થઈ રહ્યા છે. આજે ભારતના લોકોમાં આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ છે, લક્ષ્ય સુધી પહોંચવાનો ઈરાદો છે, ભારતમાં ડેવલપમેન્ટ એક પીપલ્સ મોમેન્ટ બની રહ્યું છે. ભારત તકોની ભૂમિ છે, હવે ભારત તકોની રાહ જોતું નથી પરંતુ તેને સર્જે છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં દરેક ક્ષેત્રમાં તકોના નવા લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા છે. માત્ર એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે અમે અમારી જૂની વિચારસરણી બદલી છે. અમે ગરીબોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ