Sri Lanka New President: શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. અહીં માર્ક્સવાદી નેતા અનુરા દિસાનાયકે જીત નોંધાવી હતી. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આ દરેકની જીત છે. શ્રીલંકામાં આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ડાબેરી નેતા રાષ્ટ્રપતિ પદ સંભાળશે. તેમની જીત પછી દિસાનાયકેએ રાષ્ટ્રીય એકતા માટે આહવાન કર્યું અને કહ્યું, "સિંહલી, તમિલ, મુસ્લિમ અને તમામ શ્રીલંકન લોકોની એકતા નવી શરૂઆતનો આધાર છે."






દિસાનાયકે દિગ્ગજોને પછાડ્યા


તેમણે દેશની આકાંક્ષાઓને સાકાર કરવા માટે નવી શરૂઆતની આશા વ્યક્ત કરી હતી. શ્રીલંકાના ચૂંટણી પંચે ઔપચારિક રીતે જાહેરાત કરી હતી કે 55 વર્ષીય દિસાનાયકે શનિવારની ચૂંટણીમાં 42.31 ટકા મતો મેળવ્યા હતા જ્યારે વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસા બીજા અને વિક્રમસિંઘે ત્રીજા સ્થાને રહ્યા હતા.


જનતા વિમુક્તિ પેરામુના (JVP) પાર્ટીના નેતા દિસાનાયકેનો જન્મ રાજધાની કોલંબોથી દૂર એક મજૂર પરિવારમાં થયો હતો. તેમણે 80ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1987 થી 1989 દરમિયાન સરકાર સામે આંદોલન કરતી વખતે દિસાનાયકે જેવીપીમાં જોડાયા હતા અને પછી તેમની નવી ઓળખ બનાવવાનું શરૂ કર્યું હતું.


દિસાનાયકેનો પક્ષ ચીન સમર્થક છે


તેમની પાર્ટી પર શ્રીલંકામાં હિંસાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. 80ના દાયકામાં જ્યારે દિસાનાયકે JVPમાં હતા, ત્યારે તેમની પાર્ટીએ શ્રીલંકાની વર્તમાન સરકાર સામે સશસ્ત્ર બળવો અને હિંસા કરી હતી. તે સમયગાળાને શ્રીલંકાના લોહિયાળ સમયગાળા તરીકે પણ યાદ કરવામાં આવે છે. દિસાનાયકેનું રાષ્ટ્રપતિ બનવું એ પણ ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે કારણ કે તેમની પાર્ટી JVPને ચીન તરફી માનવામાં આવે છે.


દિસાનાયકેની રાજકીય કારકિર્દી


શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ દિસાનાયકેના રાજકારણમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. વર્ષ 1995માં તેમને સમાજવાદી વિદ્યાર્થી સંગઠનના રાષ્ટ્રીય આયોજક બનાવવામાં આવ્યા, ત્યારબાદ તેમને JVPની કેન્દ્રીય કાર્યકારી સમિતિમાં પણ સ્થાન મળ્યું. દિસાનાયકે 2000માં પ્રથમ વખત સાંસદ બન્યા તે પહેલાં તેઓ ત્રણ વર્ષ સુધી પાર્ટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય હતા. 2004માં તેમને શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) સાથે ગઠબંધન સરકારમાં કૃષિ અને સિંચાઈ પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જોકે તેમણે એક વર્ષ પછી રાજીનામું આપી દીધું હતું.


તેમણે હંમેશા માર્ક્સવાદી વિચારધારાને આગળ રાખીને દેશમાં પરિવર્તનની વાત કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારમાં પણ તેમણે મોટાભાગે વિદ્યાર્થીઓ અને મજૂરોના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શ્રીલંકાના લોકોને શિક્ષણ, આરોગ્ય, પરિવહન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પરિવર્તનનું વચન આપ્યું હતું.


દિસાનાયકેએ પોતાના પક્ષની છબી બદલી નાખી


અનુરા દિસાનાયકેને વર્ષ 2014માં JVPના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ પછી તેમની સૌથી મોટી જવાબદારી પાર્ટીની છબી બદલવાની હતી જે 1971 અને 1987ના વિદ્રોહ સાથે જોડાયેલી હતી. દિસાનાયકેએ આ ભૂમિકા સારી રીતે નિભાવી હતી અને શ્રીલંકાના લોકોની જાહેરમાં માફી માંગી હતી.


દિસાનાયકે 2019માં પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં આવ્યા હતા પરંતુ તેમને માત્ર ત્રણ ટકા મત મળ્યા હતા. આ પછી વર્ષ 2022માં શ્રીલંકામાં આર્થિક સંકટ પછી JVP પાર્ટીએ પોતાને દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે રજૂ કર્યા જેનાથી તેમને ઘણો ફાયદો થયો હતો.


મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક