PM Modi France And UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી તેમના ત્રણ દિવસીય પ્રવાસના ભાગરૂપે પ્રથમ ફ્રાન્સ અને ત્યાર બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સત્તાવાર મુલાકાત માટે રવાના થશે. મુલાકાતના પહેલા તબક્કામાં PM મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં હશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ બુધવારે (12 જુલાઈ) આ માહિતી આપી.


પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપશે


વિદેશ સચિવે જણાવ્યું હતું કે, પીએમ મોદી આવતીકાલે (13 જુલાઈ) ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચશે. PM મોદીની મુલાકાતનો મુખ્ય ઔપચારિક ભાગ 14 જુલાઈથી શરૂ થશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણી - બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. તેમણે કહ્યું હતું કે, PM મોદી માટે ફ્રાન્સ દ્વારા બતાવવામાં આવેલ આ ખૂબ જ વિશેષ સંકેત છે. ભારતીય વાયુસેનાના ત્રણ એરક્રાફ્ટની સાથે બેસ્ટિલ ડે પરેડમાં સશસ્ત્ર દળોની મોટી ત્રિ-સેવા ટુકડી પણ ભાગ લેશે. બેસ્ટિલ ડેની ઉજવણીના અંતે ભારતીય વાયુસેનાનું વિમાન ફ્લાયપાસ્ટ કરશે.




વિદેશ સચિવે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીની આ છઠ્ઠી ફ્રાન્સની મુલાકાત હશે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તાજેતરમાં આ વર્ષે મે મહિનામાં હિરોશિમામાં જી-7 સમિટ દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓ જૂન 2017માં તેમની પ્રથમ મુલાકાત બાદથી સતત સંપર્કમાં છે.


પીએમ મોદી ભારતીય સમુદાય સાથે પણ કરશે વાતચીત 


વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોન એક રાજકીય ભોજન સમારંભનું આયોજન કરશે અને વડાપ્રધાનના સન્માનમાં ખાનગી રાત્રિભોજન પણ આપશે. બંને નેતાઓ વચ્ચે ઘણા વિષયો પર વિસ્તૃત ચર્ચા થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી ફ્રાન્સના વડાપ્રધાન અને ફ્રેન્ચ સેનેટ અને નેશનલ એસેમ્બલીના પ્રમુખોને પણ મળશે.




PMની ફ્રાન્સ મુલાકાતથી શું હાંસલ થશે?


વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની મુલાકાત વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભાવિ સહયોગની શોધ કરવાની તક પૂરી પાડશે. બેસ્ટિલ ડેની ઉજવણીમાં ભાગ લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોની 269 સભ્યોની ત્રિ-સેવા ટુકડી 6 જુલાઈના રોજ બે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં પેરિસ જવા રવાના થઈ હતી. હેલિકોપ્ટર પાયલોટ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી પરેડમાં ભારતીય વાયુસેનાની માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. ભારતીય વાયુસેનાના ઓછામાં ઓછા ત્રણ રાફેલ ફાઈટર જેટ પણ આમાં ભાગ લેશે.


PM મોદી ફ્રાન્સથી પરત ફરતી વખતે UAE જશે


ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ પરત ફરતા પીએમ મોદી 15 જુલાઈએ અબુ ધાબી જશે. જ્યાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.




PMની મુલાકાત ભારત-UAE સંબંધોને વધુ મજબૂત બનાવશે


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત બની રહી છે. વડાપ્રધાનની મુલાકાત ઊર્જા, શિક્ષણ, આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા, ફિનટેક, સંરક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વધુ ગાઢ બનાવશે. તેમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત બંને પક્ષોને વૈશ્વિક મુદ્દાઓ પર સહકાર અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડશે. જે ખાસ કરીને COP-28ના UAEના પ્રમુખપદ અને G20ના ભારતના પ્રમુખપદના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. UAE G20 કોન્ફરન્સ માટે ખાસ આમંત્રિત દેશ છે.


https://t.me/abpasmitaofficial