રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા વર્ષ 2022ના અંતમાં યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ હુમલાને રોકવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક દેશોના નેતાઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
CNNએ રવિવારે 2 વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક દેશોના નેતાઓએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરીને યુક્રેનમાં પરમાણુ હુમલાને રોકવામાં મદદ કરી હતી.
ભારત સહિત અન્ય દેશોની મદદથી સંકટ ટળ્યું હતુઃ રિપોર્ટ
રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સરકારને ચિંતા હતી કે રશિયા યુક્રેનને ખતમ કરવા માટે વ્યૂહાત્મક અથવા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ અંગે અમેરિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના નેતાઓનો સંપર્ક કર્યો અને અમે સ્પષ્ટ સંદેશ આપ્યો. જેનાથી અમને આ ભીષણ સંકટને ટાળવામાં મદદ મળી હતી
ભારતની અપીલ બાદ દબાણ વધ્યું
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના આ પગલાનો ખુલાસો 2022ના અંતમાં થયો હતો. જ્યારે યુક્રેનિયન દળો દક્ષિણમાં રશિયાના કબજા હેઠળના ખેરસાન તરફ આગળ વધી રહ્યા હતા અને તેઓએ સમગ્ર રશિયન સૈન્યને ઘેરી લીધું હતું. અમેરિકી વહીવટીતંત્રમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે બંને દેશો વચ્ચે ખેરસાનમાં ઉભી થયેલી સ્થિતિ પરમાણુ હથિયારોના ઉપયોગ માટે સંભવિત કારણ બની શકે છે. આ પછી અમેરિકાએ ભારત સહિત ગ્લોબલ સાઉથના અન્ય દેશો પાસેથી મદદ માંગી હતી. વરિષ્ઠ વહીવટી અધિકારીએ કહ્યું હતું કે, અમેરિકાની વિનંતી બાદ ભારત અને ચીન સહિત અન્ય દેશોએ રશિયાનો સંપર્ક કર્યો અને દબાણ વધાર્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતે હંમેશા નાગરિક હત્યાઓની નિંદા કરી છે અને યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે આહવાન કર્યું છે. PM મોદીએ ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.
યુક્રેનના આ શહેરો પર રશિયન સેનાનો કબજો છે
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું. જે હજુ પણ ચાલુ છે. બે વર્ષથી વધુ સમય પછી પણ રશિયા કે યુક્રેન પીછેહઠ કરવા તૈયાર નથી. રશિયન સેનાએ હાલમાં યુક્રેનના ઘણા શહેરો કબજે કર્યા છે. પૂર્વી યુક્રેનમાં બખ્મુત શહેરનો કબજો આમાં સૌથી મહત્વપૂર્ણ છે. તેને યુક્રેનિયન રાજકારણનું કેન્દ્ર કહેવામાં આવે છે. તેની નજીક રશિયાએ ડોનેત્સ્કના બે મોટા શહેરો પર પણ ઘણી હદ સુધી નિયંત્રણ મેળવી લીધું છે. લુહાન્સ્ક પણ રશિયાના કબજા હેઠળ છે જ્યારે રશિયા 2014થી ક્રિમિયા પર નિયંત્રણ ધરાવે છે.