PM Modi Abu Dhabi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ શનિવારેના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી.


શેખ ખાલિદ સાથેની દ્વિપક્ષીય મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ અબુધાબી આવીને રાષ્ટ્રપતિને મળીને ખુશ છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત અને આદર બદલ તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમને શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તરફથી હંમેશા ભાઈનો પ્રેમ મળ્યો છે. 


પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, અમે અમારી ભાગીદારીને મજબૂત કરવા માટે નવી પહેલ કરી રહ્યા છીએ. બંને દેશોની કરન્સીમાં વેપાર કરાર અંગેનો આજનો કરાર અમારા મજબૂત આર્થિક સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે બંને દેશો પોતપોતાની મુદ્રામાં વેપાર શરૂ કરવા સંમત થયા છે.


MoUની થઈ આપ-લે


આ પહેલા અબુધાબીમાં પીએમ મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની હાજરીમાં ભારત અને યુએઈના અધિકારીઓએ અનેક એમઓયુની આપ-લે કરી હતી.


આ મુદ્દે થઈ ચર્ચા


આ ઉપરાંત પીએમ મોદીએ COP28UAEના ડેઝિગ્નેટેડ પ્રેસિડેન્ટ ડૉ. સુલતાન અલ જાબેર સાથે મુલાકાત કરી અને કહ્યું હતું કે, તેમની સાથેની મુલાકાત ખુબ જ સકારાત્મક રહી હતી. મીટિંગ બાદ મોદીએ ટ્વિટ કર્યું, અમારી ચર્ચાઓ સતત વિકાસને આગળ વધારવાના માર્ગો પર કેન્દ્રિત હતી. આ દિશામાં ભારતનું યોગદાન, ખાસ કરીને મિશન લાઇફ પર અમારા પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યું હતું.


જ્યારે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડૉ. જબરે પીએમને આગામી COP-28 વિશે માહિતી આપી હતી. PMએ COP-28ના UAEના અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. PMએ જળવાયુ પરિવર્તનને સંબોધવા માટે ભારતના પ્રયત્નો અને પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો.


ભારતીય વિદેશી સમુદાય યુએઈમાં સૌથી મોટો વંશીય સમુદાય છે અને દેશની કુલ વસ્તીના લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. UAEના રેકોર્ડ મુજબ, 2021 માં દેશમાં વિદેશી ભારતીય નાગરિકોની સંખ્યા લગભગ 35 લાખ હતી.


https://t.me/abpasmitaofficial