વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા.વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.


પોતાને મોદીના ફેન ગણાવતા મસ્કે કહ્યું હતું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તે પોતાના દેશમાં નવી કંપનીઓને ખુલ્લા હાથે આવકારવા માંગે છે. હું મોદીનો ફેન છું.






પીએમ મોદી સાથેની મુલાકાત અંગે કહેતા મસ્કે કહ્યું હતું કે આ વાતચીત શાનદાર રહી છે. તે એક અદભૂત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.


ભારતમાં રોકાણ


પીએમ મોદી સાથેની મુલાકાત વિશે પૂછતા મસ્કે કહ્યું હતું કે મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઇ રહ્યા છીએ.






મસ્કે કહ્યું હતું કે તે ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માંગે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એવા લોકોને મદદ મળશે જેમની પાસે ઈન્ટરનેટ નથી. મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશને ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.