PM Modi US Visit LIVE Updates: અમેરિકાથી વડાપ્રધાન મોદીનો વીડિયો સંદેશ, કહ્યુ- 'યોગ જ દુનિયાને જોડી શકે છે'
ન્યૂયોર્કમાં તેમના આગમન પર ભારતીય પ્રવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલુ (ફાલ્ગુની શાહ) અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા બાદ પ્રોફેસર રતન લાલે કહ્યું હતું કે “તે એક શાનદાર બેઠક હતી, તેમણે અમને ભારતીય હોવા પર ગર્વ થાય તેવી લાગણીનો અહેસાસ કરાવ્યો હતો. આબોહવા પરિવર્તન માટે કૃષિ કઈ રીતે ઉકેલ બની શકે તેની ચર્ચા કરી હતી. અમને આશા છે કે પીએમ મોદીની નીતિ માફતે અમને ભારતની સેવા કરવાની તક મળશે.
અમેરિકાના Astrophysicist, લેખક અને વિજ્ઞાન કોમ્યુનિકેટર નીલ ડેગ્રાસ ટાયસન ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમને મળ્યા બાદ ટાયસને કહ્યું હતું કે, હું એવા નેતાને મળીને ખુશ છું જે વૈજ્ઞાનિક રીતે ખૂબ જ વિચારશીલ વ્યક્તિ છે. તેમના ભવિષ્યના વૈજ્ઞાનિક કાર્યક્રમો વિશે સાંભળીને મને આનંદ થયો. મને ખાતરી છે કે ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વીડિયો સંદેશ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ આજે ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતના આહવાન પર 180 થી વધુ દેશોનું એકઠા થવું ઐતિહાસિક છે. 2014માં જ્યારે યોગ દિવસનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આવ્યો ત્યારે રેકોર્ડ દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્ધારા વૈશ્વિક આંદોલન બની ગયો છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે બોલતા પીએમ મોદીએ દેશવાસીઓને એક વીડિયો સંદેશ મોકલ્યો છે, જેમાં તેમણે વિશ્વભરમાં યોગના વધતા પ્રભાવ વિશે જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે જે જોડે છે તે યોગ છે. G20ની થીમ પણ વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર રાખવામાં આવી છે.
યોગ એવા સ્વસ્થ અને સક્ષમ સમાજનું નિર્માણ કરે છે જેમાં વધુ ઉર્જા હોય છે. ભારતની ફિલોસોફી હોય કે વિઝન, આપણે હંમેશા વિવિધતાની ઉજવણી કરી છે. યોગ આપણી આંતરદૃષ્ટિને જોડે છે. આપણે યોગ દ્વારા વિરોધાભાસ દૂર કરવાના છે.
બ્રેકગ્રાઉન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકો દ્ધારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. PM મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસ પર છે. તેઓ મંગળવારે (20 જૂન) ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ભારતીય સમુદાયના લોકોએ 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' અને 'મોદી-મોદી'ના નારા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.
પોતાને મોદીના ફેન ગણાવતા મસ્કે કહ્યું હતું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તે પોતાના દેશમાં નવી કંપનીઓને ખુલ્લા હાથે આવકારવા માંગે છે. હું મોદીનો ફેન છું. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે કહેતા મસ્કે કહ્યું હતું કે આ વાતચીત શાનદાર રહી છે. તે એક અદભૂત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.
ભારતમાં રોકાણ
પીએમ મોદી સાથેની મુલાકાત વિશે પૂછતા મસ્કે કહ્યું હતું કે મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઇ રહ્યા છીએ.
મસ્કે કહ્યું હતું કે તે ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માંગે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એવા લોકોને મદદ મળશે જેમની પાસે ઈન્ટરનેટ નથી. મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશને ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -