વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમના બે દિવસના સત્તાવાર પ્રવાસ પર બ્રિટન પહોંચ્યા હતા. આ દરમિયાન, પીએમ મોદીની હાજરીમાં ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવાના છે. અગાઉ, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ભારત સાથેના FTAના ફાયદાઓ બંને દેશોને આપવા પર ભાર મૂક્યો હતો. તેને એક મોટી જીત ગણાવતા તેમણે કહ્યું હતું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો મુક્ત વેપાર કરાર (FTA) એક ઐતિહાસિક કરાર છે, જે રોજગાર અને વિકાસની દ્રષ્ટિએ બ્રિટન માટે એક મોટી જીત છે.
સ્ટાર્મરે કરાર વિશે શું કહ્યું?
સ્ટાર્મરે કહ્યું હતું કે ભારત સાથેનો આ કરાર કપડાં, જૂતા અને ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો કરશે, જેનાથી સામાન્ય બ્રિટિશ પરિવારોને રાહત મળશે. વડાપ્રધાન મોદીની બ્રિટન મુલાકાત દરમિયાન બંને નેતાઓ ગુરુવારે ચીકર્સ સ્થિત બ્રિટિશ વડાપ્રધાનના નિવાસસ્થાને મળશે. આ બેઠક પહેલા સ્ટાર્મરે એ પણ જાહેરાત કરી હતી કે લગભગ 6 અબજ પાઉન્ડના નવા રોકાણ અને નિકાસ સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે આમાં બ્રિટનમાં ભારતીય કંપનીઓનું વિસ્તરણ અને બ્રિટિશ કંપનીઓને ભારતમાં નવી વ્યવસાયિક તકો મળી રહી છે. કીર સ્ટાર્મરે કહ્યું કે આ કરાર બ્રિટનના દરેક ખૂણામાં નવી નોકરીઓ અને વ્યવસાયની તકો લાવશે. તેમણે કહ્યું કે આ અમારા પરિવર્તન યોજનાનો એક ભાગ છે. અમે અર્થતંત્રને ઝડપથી વિકસાવીશું અને લોકોનું જીવનધોરણ ઉંચુ કરીશું.
આ કરારમાં શું હશે?
FTA હેઠળ બ્રિટનથી ભારતમાં આવતા ઉત્પાદનો પર હવે સરેરાશ 15 ટકાને બદલે ફક્ત 3 ટકા ટેક્સ લાગશે. આનાથી કાર, મેડિકલ ડિવાઈસ, સૌંદર્ય ઉત્પાદનો અને સોફ્ટ ડ્રિંક્સ જેવી વસ્તુઓ ભારતમાં સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થશે. વ્હિસ્કી પરનો કર 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવામાં આવશે અને 10 વર્ષમાં 40 ટકા થઈ જશે.
આનાથી બ્રિટનને ભારતીય બજારમાં ફાયદો થશે. એરોસ્પેસ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિકલ મશીનરી જેવા ક્ષેત્રોમાં લાદવામાં આવેલા કરમાં મોટો ઘટાડો થશે, જેનાથી ઉદ્યોગોને મોટી રાહત મળશે. નવા અહેવાલ મુજબ, આ કરારથી બ્રિટનના GDPમાં દર વર્ષે 4.8 બિલિયન પાઉન્ડનો વધારો થશે.
રોકાણ અને સહયોગના નવા રસ્તાઓ
બ્રિટિશ સરકારના મતે, આ કરારથી 26 બ્રિટિશ કંપનીઓને ભારતમાં નવો વ્યવસાય મળ્યો છે. એરબસ અને રોલ્સ-રોયસ ટૂંક સમયમાં ભારતને નવા વિમાન પહોંચાડશે. આ સાથે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રને ભારતીય બજારમાં પહેલા કરતાં વધુ પહોંચ મળશે.