વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં બુધવારે બ્રિટન પહોંચ્યા હતા. ભારત અને બ્રિટન મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખે છે. પ્રધાનમંત્રી મોદી બે દિવસની સત્તાવાર મુલાકાતે લંડન પહોંચ્યા છે.
મુલાકાત પહેલા જાહેર કરાયેલા પોતાના નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું હતું કે, 'અમારો સહયોગ વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઈનોવેશન, સંરક્ષણ, શિક્ષણ, રિસર્ચ, સસ્ટેનેબિલિટી, સ્વાસ્થ્ય અને જાહેર સંબંધો જેવા ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.'
કિંગ ચાર્લ્સ ત્રીજાને પણ મળશે
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરને મળશે. બંને નેતાઓ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે, જેનો હેતુ બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાન મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળશે.
2014 પછી યુકેની ચોથી મુલાકાત
2014માં પદ સંભાળ્યા પછી વડાપ્રધાન મોદીની યુકેની આ ચોથી મુલાકાત છે. અગાઉ તેમણે 2015 અને 2018માં યુકેની મુલાકાત લીધી હતી અને 2021માં COP26 પરિષદમાં હાજરી આપવા માટે ગ્લાસગો પણ પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન મોદી અને યુકેના વડાપ્રધાન સ્ટાર્મર બે વખત મુલાકાત કરી ચૂક્યા છે. પ્રથમ રિયો ડી જાનેરો (G20 સમિટ) માં અને તાજેતરમાં જૂનમાં કેનેડામાં G7 પરિષદ દરમિયાન મુલાકાત કરી હતી.
FTA બંને દેશોને કેવી રીતે ફાયદો કરશે?
ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) નો હેતુ બંને દેશો વચ્ચે આયાત અને નિકાસ પરના ટેરિફને દૂર કરવાનો અથવા ઘટાડવાનો છે. આનાથી બ્રિટનમાં ભારતીય ઉત્પાદનો અને ભારતમાં બ્રિટિશ ઉત્પાદનોને ફાયદો થશે. બંને દેશોનું લક્ષ્ય 2030 સુધીમાં પરસ્પર વેપારને 120 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાનું છે. આ પ્રવાસના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી માલદીવની મુલાકાત લેશે.