બ્રિટન પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ જાહેરાત કરી હતી. બ્રિટનની સાથે કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે. ફ્રાન્સ પણ ટૂંક સમયમાં આવું કરવા માટે તૈયાર છે. ભારત અને ચીન સહિત વિશ્વભરના 140થી વધુ દેશોએ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતનો ઇનકાર કર્યો છે.
ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી એ હમાસ માટે એક પુરસ્કાર છે. હમાસ બ્રિટનમાં મુસ્લિમ બ્રધરહુડથી તાકાત મેળવી રહ્યું છે. જોકે, સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ નિર્ણય હમાસ માટે વિજય નથી. ભવિષ્યની પેલેસ્ટાઇન સરકારમાં તેની કોઈ ભૂમિકા આપવામાં આવશે નહીં. શાંતિપૂર્ણ ભવિષ્ય માટે હમાસને બધા બંધકોને મુક્ત કરવાની જરૂર છે. ઇઝરાયલે પેલેસ્ટાઇનીઓને મદદ કરવા માટે ગાઝા પર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ હટાવવા જોઈએ.
બ્રિટનની જાહેરાતના થોડા સમય પહેલા કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. કેનેડા પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપનાર પ્રથમ G7 દેશ બન્યો હતો. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આશા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેનું શાંતિપૂર્ણ ભવિષ્ય રહેશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવી એ કેનેડા અને યુકેના સહયોગથી લેવામાં આવેલું પગલું છે. તે બે અલગ દેશો માટે ઉકેલ શોધવાનો આંતરરાષ્ટ્રીય પ્રયાસ છે.
બ્રિટિશ પીએમ સ્ટાર્મરે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં વધતી હિંસા વચ્ચે અમે શાંતિ અને બે-રાજ્ય ઉકેલ માટે પ્રયત્નશીલ છીએ. આનો અર્થ એ છે કે એક સુરક્ષિત ઇઝરાયલ તેમજ સ્વતંત્ર પેલેસ્ટાઇન હોવું જોઈએ. જૂલાઈમાં બ્રિટને જણાવ્યું હતું કે જો ઇઝરાયલ હમાસ સાથે યુદ્ધ બંધ નહીં કરે તો બ્રિટન પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ રજૂ કરાયો
ફ્રાન્સે 13 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ રજૂ કર્યો, જેમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ અને બે-રાજ્ય યોજનાને સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઠરાવને ભારત સહિત 142 દેશોએ સમર્થન આપ્યું હતું. દસ દેશોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું અને 12 ગેરહાજર રહ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ, આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ, માઇક્રોનેશિયા, નાઉરુ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, પેરાગ્વે અને ટોંગાએ ઠરાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
બ્રિટને આજે શા માટે માન્યતા આપી?
રવિવારે યુકેએ માન્યતા આપી હતી, જ્યારે ફ્રાન્સ અને અન્ય ઘણા દેશો સોમવારે યુએન જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન માન્યતા આપશે. આનું કારણ એ છે કે રોશ હશનાહનો યહૂદી તહેવાર સોમવાર સાંજે શરૂ થાય છે. ઇઝરાયલીઓ આ પવિત્ર દિવસની ઉજવણી કરે છે અને તે જ સમયે પેલેસ્ટાઇનને માન્યતા આપવાથી કેટલાક લોકો નારાજ થઈ શકે છે. બીજું કારણ એ છે કે સ્ટાર્મર આ અઠવાડિયે યુએનમાં હાજરી આપી રહ્યા નથી. તેઓ પોતે આવી મોટી જાહેરાત કરવા માંગતા હતા તેથી તેમણે રવિવારે માન્યતાની જાહેરાત કરી હતી. યુએનના 193 સભ્ય દેશોમાંથી 147 દેશોએ પહેલાથી જ પેલેસ્ટાઇનને માન્યતા આપી દીધી છે.
માત્ર માન્યતા પૂરતી નથી
ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત અન્ય દેશોએ કહ્યું છે કે તેઓ ઇઝરાયલ પર દબાણ લાવવાના પ્રયાસના ભાગ રૂપે યુએન કોન્ફરન્સમાં પેલેસ્ટાઇનને માન્યતા આપી રહ્યા છે. બ્રિટનની મુસ્લિમ કાઉન્સિલે વડાપ્રધાનના પગલાનું સ્વાગત કર્યું પરંતુ આ માન્યતા સાથે નક્કર પગલાં લેવા વિનંતી કરી.