US China Trade War: અમેરિકા અને ચીન હાલમાં ટ્રેડ વોરમાં ફસાયેલા છે. અમેરિકા ચીનના વર્ચસ્વને સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે ત્યારે ચીન તેને પડકાર પણ આપી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક એવું કહ્યું જેની કોઈએ અપેક્ષા રાખી નહોતી. ટ્રમ્પે કહ્યું કે અમે ચીન સાથે ખૂબ જ સારી ડીલ કરવા જઈ રહ્યા છીએ. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીન અમેરિકા સાથે બેઠક કરવા તૈયાર છે.
ચીન સહિત દરેક દેશ આપણને મળવા માંગે છે - ટ્રમ્પ
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ ચિંતા કરવી જોઈએ કારણ કે તેના સાથી દેશો હવે ચીનની નજીક આવી રહ્યા છે? તેમણે ના માં જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે બુધવારે (16 એપ્રિલ, 2025) મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઇ હતી. તેમણે કહ્યું, "હું જાપાનના ઉચ્ચ સ્તરીય વ્યાપાર પ્રતિનિધિઓને પણ મળ્યો હતો. તે ખૂબ જ સારી બેઠક હતી. ચીન સહિત દરેક દેશ આપણને મળવા માંગે છે."
ચીનને વાતચીત માટે આગળ આવવું પડશે – ટ્રમ્પ
વ્હાઇટ હાઉસે મંગળવારે (15 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે "ટ્રમ્પનું માનવું છે કે વેપાર પર વાટાઘાટોમાં અમેરિકા નહીં, પણ ચીનને આગળ આવવું જોઇએ," અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન પર બોઇંગ સાથેના એક મોટા સોદાથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો હતો. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ટ્રમ્પનું નિવેદન વાંચીને કહ્યું હતું કે ચીને આપણી સાથે સમાધાન કરવાની જરૂર છે. આપણે તેમની સાથે સમાધાન કરવાની જરૂર નથી. ચીન અને અન્ય કોઈ દેશ વચ્ચે કોઈ ફરક નથી
અમેરિકા બ્લેકમેઇલિંગ બંધ કરે - ચીન
ટ્રમ્પના આ નિવેદનનો વિરોધ કરતા ચીને કહ્યું હતું કે અમેરિકાએ ધમકી આપવાનું અને બ્લેકમેઇલ કરવાનું બંધ કરવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું, "જો અમેરિકા ખરેખર વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે તો તેણે દબાણ, ધમકી અને બ્લેકમેઇલિંગ બંધ કરવું જોઈએ. અમેરિકાએ સમાનતા, આદર અને પરસ્પર લાભના આધારે ચીન સાથે વાત કરવી જોઈએ."