Sri Lanka Crisis: શ્રીલંકામાં હિંસક વિરોધ વચ્ચે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને હિંસા કરનારાઓને ગોળી મારવાની છૂટ આપવામાં આવી છે. હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં નવી સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે આગામી એક સપ્તાહની અંદર નવા વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવશે અને કેબિનેટની પસંદગી કરવામાં આવશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયાએ કહ્યું હતું કે જેમની પાસે બહુમતી હશે તેની સરકાર બનશે. આ સાથે કેબિનેટ મંત્રીઓની પણ પસંદગી કરવામાં આવશે. દેશમાં બગડતી પરિસ્થિતિને લઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ લોકોને હિંસા ન કરવા અને વિરોધ પ્રદર્શન કરવાનું બંધ કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે આપણો દેશ રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના લોકો અને રાજકીય પક્ષો સરકાર બનાવવા માટે વિવિધ રાજકીય પક્ષોના સભ્યો સાથે ગઠબંધન કરવાનું સૂચન કરી રહ્યા છે. મેં છેલ્લા કેટલાક દિવસોથી ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે અને હું ગઠબંધન સરકારના સૂચન સાથે સહમત છું. તેમણે કહ્યું કે હું આ સમયે સૌથી મુશ્કેલ નિર્ણય લઈ રહ્યો છું. તમામ પક્ષોની વિનંતી પર પીએમ અને જૂની કેબિનેટે રાજીનામું આપી દીધું હતું.