Russia Ukraine War: યુક્રેને સોમવારે તાત્કાલીક યુદ્ધવિરામ અને સૈનિકો પરત બોલાવવા માટે માંગ કરી છે. રશિયાએ કરેલા હુમલાના પાંચ દિવસ બાદ રશિયન ડેલીગેશન સાથે વાતચીત કરવા માટે યુક્રેનનું પ્રતિનિધિ મંડળ બેલારુસ પહોંચ્યું છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વચ્ચે યુક્રેનના ઘણા શહેરોમાં લડાઈ યથાવત છે. 


આ બધાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ એક નિવેદન આપ્યું છે કે, "યુક્રેનિયન પ્રતિનિધિમંડળ રશિયન ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટોમાં ભાગ લેવા માટે યુક્રેન-બેલારુસ સરહદ પર પહોંચ્યું છે." ઝેલેંસ્કીએ કહ્યું, કે" આ વાટાઘાટોનો મુખ્ય મુદ્દો તાત્કાલિક યુદ્ધવિરામ અને યુક્રેનમાંથી રશિયન સૈનિકો પાછા ખેંચવાનો છે."


ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને બહાર નીકળવાની અપીલ કરીઃ


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસકીએ બીજા એક નિવેદનમાં રશિયન સૈનિકોને તેમના યુદ્ધના સાધનો છોડી દેવા અને તેમના જીવ બચાવવા માટે યુદ્ધભૂમિ છોડીને જવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 4,500થી વધુ રશિયન સૈનિકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.


આ સાથે રાષ્ટ્રપતિ ઝેલેંસકીએ યુરોપિયન યુનિયનને સંબોધીને પણ એક ખાસ નિવેદન આપ્યું હતું. ઝેલેંસકીએ કહ્યુ હતું કે, "યુક્રેનને તાત્કાલિક યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપવું જોઈએ." ઉલ્લેખનીય છે કે, યુક્રેન પહેલાથી જ યુરોપિયન યુનિયનનું સભ્ય બનવા ઈચ્છે છે. અને હાલ રશિયાએ કરેલા હુમલા બાદ યુક્રેને ફરીથી યુરોપિયન યુનિયનમાં જોડાવાની પ્રક્રિયા ઝડપથી પુરી કરીને સભ્યપદ આપવા માટે કહ્યું છે. 


ઝેલેંસકીને રશિયા સાથેની વાતચીત પર શંકાઃ
ઝેલેંસકી અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેંકો વચ્ચે એક ફોન કોલ બાદ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ ચાલી રહેલી વાતચીત શક્ય બની હતી. જો કે, ઝેલેંસકીનું કહેવું છે કે, તેમને આ વાતચીતની સફળતા પર શંકા છે. "હંમેશાની જેમ આ બેઠકના પરિણામ પર વિશ્વાસ નથી પણ તેમને પ્રયત્ન કરવા દઈએ."