Qatar court: ગયા વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા ઇન્ડિયન નેવીના આઠ પૂર્વ કર્મચારીઓને 27 ઓક્ટોબર, 2023 ના રોજ કતારની કોર્ટે મોતની સજા આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતાર કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી લીધી છે અને આ કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ અપીલ ભારત સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.
કતારની એક કોર્ટે ગુરુવારે (23 નવેમ્બર) અપીલના દસ્તાવેજો સ્વીકાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટ અપીલનો અભ્યાસ કરી રહી છે અને આગામી સુનાવણી ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતે આ નિર્ણય સામે "પહેલેથી જ અપીલ દાખલ કરી છે".
શું છે સમગ્ર કેસ?
ગયા વર્ષે 25 ઓક્ટોબરે મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વીટ કર્યું હતું કે ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતારની રાજધાની દોહામાં 57 દિવસથી ગેરકાયદેસર અટકાયતમાં છે. મીતુ ભાર્ગવ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની બહેન છે. આ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની ન્યૂઝ વેબસાઈટ અલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, આ અધિકારીઓ પર ઈઝરાયલને કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી આપવાનો આરોપ છે.
જો કે, કતાર સરકાર તરફથી આ ભૂતપૂર્વ અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપો અંગે ભારત સરકાર દ્વારા કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી. નેવીમાંથી નિવૃત્ત થયેલા આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા. આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી. તેણે કતારની નૌકાદળને તાલીમ અને સાધનસામગ્રી પણ પૂરી પાડી હતી.
આ કંપની ઓમાનની એરફોર્સમાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખમીસ અલ આઝમીની છે. ગયા વર્ષે આ ભારતીયોની સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે નવેમ્બરમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
કોણ છે આ ભારતીયો?
મોતની સજા પામેલા આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓના નામ છે - કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને રાજેશ છે. આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓએ ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધી સેવા આપી હતી. નેવીમાં તેઓનો કાર્યકાળ દોષરહિત રહ્યો છે અને તેઓ મહત્વના હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે.