Qatar court: ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર કતારે તેમની સજા પહેલાથી જ ઘટાડી દીધી હતી અને તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.






વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.






ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી


અલદહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કરનારા ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી હતી.


26 ઓક્ટોબરના રોજ, કતારની કોર્ટે ઓગસ્ટ 2022 માં ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, કતાર પ્રશાસન કે ભારત સરકારે તે અધિકારીઓ સામેના આરોપોને જાહેર કર્યા નથી. જ્યારે મૃત્યુદંડના સમાચાર વૈશ્વિક ચર્ચા બન્યા ત્યારે ભારતે ચુકાદાને "આઘાતજનક" ગણાવ્યો અને આ કેસમાં તમામ કાનૂની વિકલ્પોને અનુસરવાનું નક્કી કર્યું હતું.


કતારમાંથી મુક્ત કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકો કોણ છે?


આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ - કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ જેઓ કતારમાં અલદાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરી રહ્યા હતા જે એક સર્વિસિસ અને સંરક્ષણ સેવાઓ પ્રદાન કરતી કંપની છે.