Rahul Gandhi In America:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ રદ્દ થવા અંગે પ્રથમ વખત વિદેશમાં નિવેદન આપ્યું છે. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓ એવા પ્રથમ વ્યક્તિ હશે કે જેમને માનહાનિના મામલામાં સૌથી મોટી સજા મળશે અને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડશે. રાહુલે વધુમાં કહ્યું કે, પરંતુ રાજકીય રીતે મને મોટી તક મળી છે.










ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં સમગ્ર વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સંસ્થાઓ કબજે કરવામાં આવે છે. અમે લોકતાંત્રિક લડાઈ લડવા માટે લડી રહ્યા છીએ. એટલા માટે થોડા મહિના પહેલા અમે સમગ્ર ભારતમાં ફરવાનો વિચાર કર્યો હતો.


સભ્યપદ જવાને ગણાવી મોટી તક


રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અહીં ત્રણ શહેરોમાં તેમનો કાર્યક્રમ છે. તેઓ બુધવારે (31 મે) ના રોજ કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ વર્ષ 2000માં રાજનીતિમાં જોડાયા હતા ત્યારે તેમણે વિચાર્યું ન હતું કે તેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થશે. રાજકારણમાં જોડાતા સમયે જે વિચારવામાં આવતું હતું અને આજે જે ચાલી રહ્યું છે તે એક બીજાથી સાવ અલગ છે. સંસદ સભ્યપદ રદ્દ થવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમણે કલ્પના પણ નહોતી કરી કે આવું કાંઇ બની શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પરંતુ મને લાગે છે કે તેનાથી મને એક મોટી તક મળી છે. રાજકારણ આવી રીતે કામ કરે છે.


આ વર્ષે માર્ચમાં સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.


વિદેશથી સમર્થન માંગવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈની પાસેથી સમર્થન માંગ્યું નથી. હું એકદમ સ્પષ્ટ છું. આ અમારી લડાઈ છે. હું અહીંના ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંબંધ રાખવા માંગુ છું. હા, વડાપ્રધાન આવા સ્થળોએ આવીને લોકોના પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા?