લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો આજે અમેરિકામાં ત્રીજો દિવસ હતો. આ દરમિયાન તેમણે એક વખત ભારત-ચીન સરહદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનનો યોગ્ય રીતે સામનો કરી શક્યા નથી. રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાત કરી હતી.






રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે પીએમ મોદીએ યુએસ-ચીન સ્પર્ધાને સારી રીતે સંભાળી છે, જેના પર કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, જો તમે અમારા ક્ષેત્રમાં 4,000 ચોરસ કિલોમીટરમાં ચીની સૈનિકોને રાખવાને કોઇ ચીજને સારી રીતે સામનો કરવાનું કહો છો તો કદાચ લદ્દાખમાં ચીની સૈનિકોએ દિલ્હી જેટલી જમીન પર કબજો કરી લીધો છે. મને લાગે છે કે તે આપદા છે.


'જો કોઈ અમેરિકાના ક્ષેત્ર પર કબજો કરી લે તો તેની પ્રતિક્રિયા શું હશે?'


તેમણે કહ્યું હતું કે, 'જો કોઈ પાડોશી તમારા 4000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લે તો અમેરિકાની પ્રતિક્રિયા શું હશે? શું કોઈ પણ રાષ્ટ્રપતિ એમ કહીને છટકી શકશે કે તેણે તેને સારી રીતે સંભાળ્યું છે? એટલા માટે મને નથી લાગતું કે પીએમ મોદીએ ચીનને બરાબર હેન્ડલ કર્યું છે. મને લાગે છે કે ચીનના સૈનિકો આપણા વિસ્તારમાં રહેવાનું કોઈ કારણ નથી.


ગયા વર્ષે સમાન આરોપો લગાવતા કોંગ્રેસના નેતાએ વડા પ્રધાન મોદી પર લદ્દાખમાં ભારત-ચીન સરહદની સ્થિતિ પર વિપક્ષ સમક્ષ ખોટું બોલવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીને ભારતીય વિસ્તાર છીનવી લીધો છે.


રાહુલ ગાંધીને બાંગ્લાદેશની સ્થિતિ વિશે પણ પૂછવામાં આવ્યું હતું જેના પર તેમણે કહ્યું હતું કે , 'બાંગ્લાદેશ સાથે અમારા જૂના સંબંધો છે. મને લાગે છે કે બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વો વિશે ભારતમાં ચિંતા છે અને તેમાંથી કેટલીક ચિંતાઓ અમારી સમાન છે. જો કે, મને વિશ્વાસ છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર થશે અને અમે વર્તમાન સરકાર અથવા અન્ય કોઈપણ સરકાર સાથે સંબંધો જાળવી શકીશું.


રાહુલ ગાંધીએ જાતિ આધારિત ગણતરી અંગે પણ વાત કરી હતી


આ પહેલા કોંગ્રેસના સાંસદે જાતિ આધારિત ગણતરી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે 90 ટકા ભારતીયોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. ભારતમાં 90 ટકા આદિવાસી, પછાત જાતિ અથવા દલિત અથવા લઘુમતી છે, પરંતુ દેશના શાસન, વિવિધ સંસ્થાઓ અને મીડિયામાં તેમની ભાગીદારી ઓછી છે. ભારતમાં સત્તાની વહેંચણી કેવી રીતે થાય છે તેના પર પારદર્શક, વાસ્તવિકતા જાણવા માટે વસ્તી ગણતરીની જેમ જ એક સર્વેક્ષણ કરાવવા માંગીએ છીએ.


'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર