નવી દિલ્હીઃ ફ્રાન્સની મીડિયાએ રાફેલ ડીલને લઇને એક વધુ ખુલાસો કર્યો હતો. આ ખુલાસામાં રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશનના આંતરિક દસ્તાવેજોને ટાંકીને જણાવ્યું હતું કે, આ ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સિવાય કોઇ વિકલ્પ આપ્યો નહોતો. બીજી તરફ કંપનીએ સફાઇ આપતા જણાવ્યું હતું કે, રાફેલ ડિલમાં ઓફસેટ પાર્ટનરનું હોવું જરૂરી હતું પરંતુ આ માટે પાર્ટનર તરીકે ફક્ત રિલાયન્સ કંપનીનો વિકલ્પ જેવી વાત નહોતી. કોઇ પણ કંપનીની પસંદગી કરવા માટે દસોલ્ટ સ્વતંત્ર હતી.

ઓફસેટ પાર્ટનરને લઇને ઉભા થયેલા વિવાદ વચ્ચે થયેલો ખુલાસો સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે. કારણ કે 59000 કરોડમાં થયેલા 36 વિમાનના આ કરારમાં સરકારનું કહેવું છે કે દસોલ્ટ પોતાનો ઓફસેટ પાર્ટનર પસંદ કરવા માટે સ્વતંત્ર હતી. ફ્રાન્સની વેબસાઇટ મીડિયાપાર્ટના ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસે દસોલ્ટ કંપનીના એ દસ્તાવેજો હાથ લાગ્યા છે જેનાથી સાબિત થાય છે કે કંપનીને અંતિમ વિકલ્પ તરીકે ફક્ત રિલાયન્સનું નામ આપવામાં આવ્યું હતું.
આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિલાયન્સ સાથે પાર્ટનરશીપને અતિઆવશ્યક અને અનિવાર્ય બતાવ્યો હતો. જોકે, ફ્રાન્સની સરકાર અને દસોલ્ટે છેલ્લા મહિનામાં ઓલાન્દના દાવાઓને ફગાવી દીધા હતા. ભારતના સંરક્ષણ મંત્રાલયે પણ વિવાદને બિનજરૂરી ગણાવ્યો હતો અને કહ્યુ હતું કે, તેમણે ક્યારેય ઓફસેટ પાર્ટનર તરીકે કોઇ કંપનીના નામની ભલામણ કરી નહોતી.