વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસના કારણે મોતને ભેટનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના મહામારી સામે લડવા માટે અમેરિકાએ ભારતની મદદ માંગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી કોરોના સામે અમેરિકાની મદદ કરવા કહ્યું હતું. ટ્રમ્પે ફોન પર વડાપ્રધાન મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાનું કન્સાઇન્મેન્ટ મોકલવાની વિનંતી કરી હતી. નોંધનીય છે કે અમેરિકામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અમેરિકામાં 8 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.




શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, મે ફોન પર વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાનું કન્સાઇન્મેન્ટ મોકલવાની વિનંતી કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસની સારવારમાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન સૌથી કારગર છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરી જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત થઈ હતી. તેમની સાથેની ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી છે. કોરોનાની વિરુદ્ધની લડાઈમાં ભારત અને અમેરિકા મળીને સંપૂર્ણ તાકાતથી લડશે.

ટ્રમ્પે કહ્યુ કે, હું પણ આ દવા લઇશ અને મારા ડોક્ટરો સાથે વાતચીત કરીશ. ભારત વ્યાપક પ્રમાણમાં આ દવાનું ઉત્પાદન કરે છે. જોકે, તેમને પોતાના અબજો લોકો માટે આ દવાની જરૂર પડશે. અમને ભારત દવા મોકલશે તો અમે તેમનો આભાર માનીશું. નોંધનીય છે કે ભારત સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાની નિકાસ અને તેની ફોર્મ્યુલાને કોઈ અન્ય દેશને આપવા પર હાલ પ્રતિબંધ મૂક્યો છે.