Rishi Sunak: પ્રિન્સ ચાર્લ્સે ઋષિ સુનકને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઋષિ સુનકને પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાએ સરકાર બનાવવા માટે કહ્યું છે. જે બાદ તેઓ બ્રિટનના વડાપ્રધાન બની ગયા છે. નોંધનિય છે કે,  ઋષિ સુનકે આજે લંડનના બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત કરી હતી. આજે સાંજે ઋષિ સુનક શપથ લઈ શકે છે.


 






લિઝ ટ્રસે ઋષિ સુનકને અભિનંદન આપ્યા
બ્રિટનના પૂર્વ પીએમ લિઝ ટ્રસે ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આપણે માત્ર ઓછા વિકાસવાળા દેશ ન બની શકીએ. આપણે આપણી બ્રેક્ઝિટ સ્વતંત્રતાનો લાભ લેવાની જરૂર છે. લોકશાહી તેના લોકો માટે પહોંચાડવા સક્ષમ હોવી જોઈએ. હું બ્રિટિનમાં વિશ્વાસ કરું છું, હું બ્રિટિશ લોકોમાં વિશ્વાસ કરું છું અને હું માનું છું કે ઉજ્જવળ દિવસો આવનારા સમયમાં આવવાના છે.


 અંગ્રેજો પર રાજ કરશે ભારતીય મૂળના ઋષિ સુનક


બ્રિટનના નવા વડાપ્રધાનને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઋષિ સુનક બ્રિટનના પીએમ બનવાના છે. આજે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચીને યુકેના નવા વડાપ્રધાન બનશે. ઋષિ સુનકે પેની મોર્ડોન્ટને પાછળ છોડી દીધા છે. ઋષિ સુનકને 180 થી વધુ સાંસદોનું સમર્થન મળી રહ્યું હતું, જ્યારે પેની મોર્ડોન્ટ સમર્થનમાં ઘણા પાછળ હતા, ત્યારબાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. સૂત્રોનું માનીએ તો ઋષિ સુનક 28 ઓક્ટોબરે શપથ લઈ શકે છે.


આ અગાઉ, બ્રિટિશ વડા પ્રધાન પદ માટે ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને દાવો ન કરતા ભારતીય મૂળના નેતા ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ પર કબજો કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પૂર્વ મંત્રી પ્રીતિ પટેલ, જેમ્સ ક્લેવરલી અને નદીમ જાહવીએ પણ ઋષિ સુનકને ટેકો જાહેર કર્યો હતો.


પીએમ રેસમાં ઋષિ સુનક સૌથી આગળ હતા


વાસ્તવમાં, લિઝ ટ્રુસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું હતું. દેશે ફરીથી પોતાના વડાપ્રધાન પસંદ કરવાના હતા. પીએમ પદની રેસમાં ઘણા નામો સામે આવ્યા હતા, પરંતુ બે નામ એવા છે જે સૌથી આગળ ચાલી રહ્યા હતા. જેમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું નામ હતું. જો કે બોરિસ જોન્સને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા સુનકનો માર્ગ મોકળો બની ગયો હતો.