UK Visa Update: બ્રિટનમાં કામ કરવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર આવ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે યુકેમાં કામ કરવા માટે દર વર્ષે 3 હજાર ભારતીય યુવાનોને આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બ્રિટન સરકાર અનુસાર, આ યોજના 18-30 વર્ષની વયના શિક્ષિત ભારતીય નાગરિકોને વ્યાવસાયિક અને સાંસ્કૃતિક વિનિમયમાં ભાગ લેવાની તક પૂરી પાડશે.






બ્રિટનના ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે બુધવારે બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે 3 હજાર ભારતીય યુવાનોને વિઝા આપવાની યોજનાને લીલીઝંડી આપી હતી. બાલીમાં G-20 સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક વચ્ચે બેઠકના થોડાક જ કલાકમાં બ્રિટન સરકારે આ અંગેની જાહેરાત કરી હતી. સુનક વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી અને સુનક વચ્ચે આ પહેલી બેઠક હતી. સુનકે બાલીમાં કહ્યું કે તેઓ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે ઝડપના ભોગે ગુણવત્તા સાથે સમાધાન કરવા માગતા નથી. તેઓ આ દિશામાં આગળ વધવામાં થોડોક સમય લેશે. બ્રિટિશ સરકારે કહ્યું કે બ્રિટન સાથે આ પ્રકારની યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.


યુકેના વડાપ્રધાને કહ્યું કે ભારત યુકે-ભારત માઇગ્રેશન  અને મોબિલીટી પાર્ટનરશીપની તાકાતને ઉજાગર કરીને આવી યોજનાનો લાભ મેળવનાર પ્રથમ વિઝા-રાષ્ટ્રીય દેશ છે.


બાલીમાં G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેની ટૂંકી મુલાકાતના કલાકો પછી આની પુષ્ટી કરવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચેની મીટિંગની તસવીર શેર કરતા પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બાલીમાં જી-20 સમિટના પહેલા દિવસે વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક.


શું કહ્યું ઋષિ સુનકે?


બ્રિટિશ પીએમ ઋષિ સુનકે એક નિવેદનમાં કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક આપણી સુરક્ષા અને આપણી સમૃદ્ધિ માટે વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે. તે ગતિશીલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓથી ભરપૂર છે અને આગામી દાયકા આ પ્રદેશમાં શું થશે તેના દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. સુનકે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે યુકેના ઊંડા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોના અવિશ્વસનીય મૂલ્યને જાણે છે. તેમને આનંદ છે કે ભારતના વધુ તેજસ્વી યુવાનોને હવે યુકેમાં જીવનનો અનુભવ કરવાની તક મળશે, જે આપણી અર્થવ્યવસ્થા અને સમાજને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.


યુકેમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ ત્રીજા ભાગના ભારતના છે. યુકે હાલમાં ભારત સાથે વેપાર સોદા માટે વાટાઘાટો કરી રહ્યું છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી થઈ જાય છે તો ભારત દ્વારા યુરોપના કોઈપણ દેશ સાથે આ પ્રકારની પ્રથમ ડીલ થશે.