Air India Flight Passengers : નવી દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને ટેક્નિકલ ખામીના કારણોસર રશિયામાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. વિમાનમાં 216 મુસાફરો અને 16 ચાલકદળના સભ્યો સવાર હતા. આ તમામની સ્થિતિ દયનિય બની હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટના ફસાયેલા મુસાફરો કે જેમાં બાળકો અને વૃદ્ધો પણ શામેલ છે તે તમાનને રશિયન શહેર મગદાનમાં ભાષા અવરોધો, ગંદો ખોરાક અને હલકી ગુણવત્તાવાળા રહેઠાણ જેવી સમસ્યાઓ સામે ઝઝૂમવુ પડી રહ્યું છે. એક જ રૂમમાં 20 - 20 લોકોને રાખવામાં આવી રહ્યાં હોવાની ગંભીર બાબત સામે આવી છે.
જાહેર છે કે, બોઈંગ 777 એરક્રાફ્ટમાં સંચાલિત એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે નવી દિલ્હીથી યુએસ શહેર સાન ફ્રાન્સિસ્કો માટે 216 મુસાફરો અને 16 ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી હતી જ્યારે તેના એક એન્જિનમાં મંગળવારે ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી.
ટેલિફોન પર એનડીટીવી સાથે વાત કરતા પ્લેનમાં એક મુસાફર ગગને પરિસ્થિતિને પડકારજનક ગણાવીને ઉમેર્યું કે, હજી સુધી પરિસ્થિતિ જ સ્પષ્ટ નથી અને સુવિધાઓ પણ અપૂરતી છે.
તેમણે ઉમેર્યું હતું કે, અહીં 230 થી વધુ લોકો છે... ઘણા બાળકો અને વૃદ્ધ લોકો છે. અમારી બેગ હજુ પણ પ્લેનમાં છે. અમને બસો દ્વારા અલગ-અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. કેટલાક લોકોને શાળામાં રાખવામાં આવી રહ્યાં છે. તેઓ ત્યાં ફ્લોર પર ગાદલા પાંથરીને સુવાડવામાં આવ્યા છે. ત્યાં શૌચાલયની પણ યોગ્ય સગવડ નથી. બાકી હોય તેમ ભાષા પણ એક સમસ્યા બની રહી છે. તો અહીંનું ભોજન ખૂબ જ અલગ છે. અહીં મોટા ભાગે સીફૂડ અને નોન-વેજિટેરિયન ભોજન જ છે. જેથી કેટલાક લોકો તો માત્ર બ્રેડ અને સૂપ ખાયને જીવન નિર્વાહ ચલાવવા મજબુર બન્યા છે. ગંભીર બાબત એ છે કે, વૃદ્ધોની દવાઓ પણ ખતમ થઈ રહી છે.
તમામ મુશ્કેલીઓ હોવા છતાં ગગને કહ્યું હતું કે, તેઓ (રશિયન અધિકારીઓ) ખૂબ જ સારો રહ્યો છે. અમે નસીબદાર છીએ કે, અમે કૉલેજની હોસ્ટેલમાં છીએ. અમને લગભગ એક કલાક પહેલાં જ Wi-Fi મળ્યું છે, તેથી અમે અમારા પરિવારનો સંપર્ક કરવા સક્ષમ બન્યા છીએ.
ગગનના કહેવા પ્રમાણે, બીજી જગ્યાએ કે જ્યાં કેટલાક વધુ મુસાફરો હાજર છે તે એક શાળામાં છે. તેઓએ હમણાં જ બેન્ચો હટાવી છે અને વર્ગખંડમાં જ ગાદલા પર સૂઈ રહ્યા છે. એક રૂમમાં લગભગ 20 લોકો સુવા મજબુર બન્યા છે. ગગને કહ્યું હતું કે, મેં સાંભળ્યું કે, તેમના માટે ભોજનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.તેમને કોક અને બ્રેડ આપવામાં આવી હતી રહી છે.
ગગને વધુમાં ઉમેર્યું હતું કે, ફ્લાઇટમાં મારી બાજુની સીટ પર એક 88 વર્ષીય સજ્જન હતા. મને ખબર નથી કે તેમના જેવા લોકો કેવી રીતે દિવસો પસાર કરી રહ્યા છે.ત્યાં એક મહિલા છે જેને બે નવજાત બાળકો હતા. તે ખરેખર મને ઘણી મુશ્કેલીમાં લાગતી હતી. અહીંનું મોટાભાગનું ભોજન માંસાહારી છે. જોકે અહીંના અધિકારીઓ સારા છે પણ ભાષાની સમસ્યા છે. અમને બહાર જવાની પરવાનગી નથી. અમને કહેવામાં આવ્યું હતું કે, આપણે બીજા જ દિવસે અહીંથી ઉડાન ભરી ચુક્યા હોઈશું.
એર ઈન્ડિયાએ બુધવારે જાહેરાત કરી છે કે, મગદાનથી સાન ફ્રાન્સિસ્કો સુધી ફસાયેલા મુસાફરોને લઈ જવા માટે મુંબઈથી રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટ મોકલવામાં આવશે. એરલાઈને એ પણ ખાતરી આપી હતી કે, ફસાયેલા મુસાફરોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને તેઓને સ્થાનિક હોસ્ટેલ અને હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં અમેરિકી નાગરિકો પણ હોવાની શક્યતા છે. રશિયાના એવિએશન ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે, તે મગદાન એરપોર્ટ પર ઉતરેલા પ્લેનની ટેકનિકલ સ્થિતિની તપાસ કરી રહ્યું છે અને તેણે લેન્ડ માટે વૈકલ્પિક ફ્લાઇટની પરવાનગી આપી છે.