નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી વચ્ચે વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા વડાપ્રધાન મોદીને રશિયા પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન સેન્ટ એન્ડ્ર્યુ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વડાપ્રધાન મોદીને અનેક આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે. તાજેતરમાં જ યુએઇએ પણ વડાપ્રધાન મોદીને જાયદ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.


રશિયન એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું કે, 12 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીને સેન્ટ એન્ડ્ર્યૂ એટલે કે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીને આ સન્માન ભારત અને રશિયાના સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ એવોર્ડ મેળવનાર વડાપ્રધાન મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. આ અગાઉ આ સન્માન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળી ચૂક્યો છે. થોડા દિવસો અગાઉ સંયુક્ત આરબ અમિરાતે વડાપ્રધાન મોદીને જાયદ મેડલ આપવાની જાહેરાત કરી હતી. આ વર્ષે ફેબ્યુઆરીમાં પણ વડાપ્રધાનમોદીને દક્ષિણ કોરિયાએ સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ પુરસ્કારથી સન્માનિત થનારા તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ છે.