રશિયા અને યુક્રેન વચ્ચે 25 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને રશિયા પર અમેરિકા સહિત અનેક દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે. તો બીજી તરફ હવે રશિયાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાની એક અદાલતે સોમવારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ચરમપંથી સંગઠનો ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. અધિકારીઓએ યુએસ સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (અગાઉનું ફેસબુક) પર યુક્રેનમાં યુદ્ધ દરમિયાન "રુસોફોબિયા" સહન કરવાનો આરોપ મૂક્યા પછી પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટવર્સકોઈ જિલ્લા અદાલતે જણાવ્યું હતું કે, અદાલતે ઉગ્રવાદી પ્રવૃત્તિઓ કરતા બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની ફરિયાદીઓની વિનંતીને સ્વીકારી છે, પરંતુ Metaની WhatsApp મેસેન્જર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, કારણ કે તે જાહેર મંચ છે.
મોસ્કોના હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ
આ પગલું યુક્રેનમાં તેની સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયા તરફથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. સોમવારની સુનાવણી દરમિયાન, રશિયાની FSB સુરક્ષા સેવાએ મેટા પર સંઘર્ષ દરમિયાન મોસ્કોના હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
મેટાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે કોર્ટમાં અપીલ
રશિયન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે એફએસબીના પ્રતિનિધિ ઇગોર કોવાલેવ્સ્કીએ કોર્ટને જણાવ્યું હતું કે મેટા સંગઠનની પ્રવૃત્તિઓ રશિયા અને તેના સશસ્ત્ર દળો વિરુદ્ધ નિર્દેશિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે કોર્ટને અપીલ કરીએ છીએ કે મેટાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવે અને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવામાં આવે.