મોસ્કો:  યુક્રેન યુદ્ધ બાદથી અમેરિકાના નેતૃત્વ હેઠળ નાટોને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા રશિયાએ હવે તેનો અમલ શરૂ કરી દીધો છે. જેના કારણે વિશ્વમાં પરમાણુ યુદ્ધનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. રશિયા ગુરુવારે બેલારુસમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાની યોજના અમલમાં મુકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેલારુસના નેતાએ કહ્યું કે તેના માટે વોરહેડ્સ પહેલેથી જ પહોંચ્યા હતા. 1991માં સોવિયત સંઘના પતન બાદ રશિયાએ પ્રથમ વખત દેશની બહાર આવા હથિયારો તૈનાત કર્યા છે.






રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેનમાં તેમના સૈનિકો મોકલવામાં આવ્યા હતા ત્યારથી યુએસ અને તેના સહયોગી દેશો રશિયા સામે સતત પ્રોક્સી યુદ્ધ ચલાવી રહ્યા છે. જો કે, વ્લાદિમીર પુતિન દ્વારા 25 માર્ચે રાજ્ય ટેલિવિઝન પર એક ઇન્ટરવ્યૂમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે રશિયાના સંરક્ષણમંત્રી સર્ગેઇ શોઇગુએ બેલારુસના સંરક્ષણ પ્રધાન સાથેની બેઠકમાં કહ્યું કે પશ્ચિમ આપણા દેશો સામે સામૂહિક રીતે અઘોષિત યુદ્ધ કરી રહ્યું છે. આ બધું યુક્રેનમાં સશસ્ત્ર સંઘર્ષને લંબાવવા માટે કરવામાં આવી રહ્યું છે.






બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ કહ્યું કે વ્લાદિમીર પુતિને આ માટે એક ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જે પછી વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો આ યોજના અનુસાર પહેલાથી જ તૈનાત કરવામાં આવી રહ્યા છે. જોકે રશિયા તરફથી તેની પુષ્ટી કરવામાં આવી નથી. રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઇ શોઇગુએ કહ્યું કે તેઓ જે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી રહ્યા છે તે બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોને સંગ્રહિત કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે. નોંધનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વારંવાર ચેતવણી આપી ચૂક્યા છે કે રશિયા પોતાનો બચાવ કરવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરશે. તેમણે યુક્રેનના યુદ્ધને આક્રમક પશ્ચિમ સામે રશિયાના અસ્તિત્વ માટે જરૂરી યુદ્ધ તરીકે રજૂ કર્યું છે.






અમેરિકા અને તેના સહયોગીઓનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે યુક્રેન આ યુદ્ધમાં રશિયન દળોને હરાવી દે. પરંતુ તેઓએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેઓ રશિયાને નષ્ટ કરવા માંગે છે. પશ્ચિમી દેશો સતત નકારે છે કે યુક્રેન યુદ્ધ કોઈપણ રીતે નાટોના વિસ્તરણ સાથે જોડાયેલું છે. બેલારુસમાં રશિયન પરમાણુ શસ્ત્રો ક્યારે તૈનાત કરવામાં આવશે તે હજી સ્પષ્ટ નથી. જો કે, આ પરમાણુ હથિયારો રશિયાના નિયંત્રણમાં રહેશે.