Russia church attack: રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ (સિનેગોગ) પર અત્યાધુનિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાના રિપોર્ટ છે. ફાયરિંગ દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં થયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ એપીને ટાંકીને લખ્યું હતું કે દાગેસ્તાનના ગવર્નરે કહ્યું કે હુમલાખોરોએ ફાયરિંગમાં 15થી વધુ પોલીસકર્મીઓ અને અનેક નાગરિકોની  હત્યા કરી દીધી હતી.






સુરક્ષા દળોએ હુમલાખોરોને ઠાર માર્યા હતા


આ પહેલા મોડી રાત્રે વિદેશી મીડિયાના પ્રારંભિક સમાચારમાં તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ગોળીબારમાં ચર્ચના પાદરી અને એક પોલીસકર્મી સહિત સાત લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. હવે મૃત્યુઆંક વધીને 15 થયો છે. અહેવાલો અનુસાર, હુમલાખોરો વિરુદ્ધ જવાબી કાર્યવાહી દરમિયાન રશિયન સુરક્ષા દળોએ બે હુમલાખોરોને ઠાર માર્યા હતા.






છ અધિકારીઓ અને પાદરી મૃત્યુ પામ્યા


હુમલા અંગે દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના શમિલ ખદુલેવે જણાવ્યું હતું કે ચર્ચ પર થયેલા હુમલામાં પાદરી અને છ અધિકારીઓ માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, ડર્બેન્ટના ચર્ચમાં માર્યા ગયેલા પાદરીની ઓળખ 66 વર્ષીય ફાધર નિકોલે તરીકે થઈ છે. આતંકવાદીઓએ તેનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી હતી. ચર્ચની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગાર્ડ પાસે એક જ પિસ્તોલ હતી.


માખચકલા શહેરમાં પોલીસ ટ્રાફિક સ્ટોપ પર આતંકવાદી હુમલો


સમાચાર અનુસાર, આતંકવાદી હુમલા પછી યહૂદી મંદિરના એક માળે બારીઓમાંથી મોટી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે ત્રણ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા. માખચકલા શહેરમાં પોલીસ ટ્રાફિક સ્ટોપ પર હુમલાના અહેવાલો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં 12 અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.


અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણેય સ્થળો પર હુમલાની રીત અને સમય જોતા એવું લાગે છે કે હુમલાખોરોએ પ્લાનિંગ સાથે હુમલા કર્યા હતા. ડર્બેન્ટ શહેર પર હુમલો થયો તે જ સમયે લગભગ 120 કિમી દૂર માખચકલામાં ટ્રાફિક પોલીસ ચોકી પર પણ ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાના પણ સમાચાર છે.