Russia Ukraine War :  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 9 દિવસ પુરા થયા છે અને હજી પણ યુદ્ધ ચાલુ જ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલાઓ કર્યા છે અને આ સાથે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રશિયાએ યુક્રેનમાં સીઝફાયરનું એલાન કર્યું છે. રશિયાએ રાહત સામગ્રી પહોંચાડવા માટે તેમજ નાગરિકોના સ્થળાંતર માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે સીઝફાયરનું એલાન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય સમય અનુસાર 11.30થી  યુદ્ધવિરામ લાગુ થશે. યુક્રેનમાં માર્યુપોલ અને વોલ્નોવાખામાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે. 






 


યુક્રેને કરી હતી ગ્રીન કોરિડોર બનાવવાની  વાત
યુક્રેને ફરી એકવાર લોકોને યુદ્ધના મેદાનમાંથી બહાર કાઢવા માટે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ત્યારે જ શક્ય છે જ્યારે રશિયા યુદ્ધવિરામ માટે સહમત થાય. યુક્રેનનું કહેવું છે કે યુદ્ધવિરામ વિના લોકોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બનશે નહીં.



રશિયાએ યુક્રેન પર અઠવાડિયામાં છોડી 500થી વધુ મિસાઈલ
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેન પર કબ્જો જમાવવા આક્રમક બની ગયું છે. આ દરમિયાન આજે અમેરિકાના પેન્ટાગોનના અધિકારીએ, યુક્રેનના ધ કિવ ઈન્ડીપેન્ડેન્ટને જણાવ્યું કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી છે. રશિયા દરરોજ લગભગ બે ડઝન વિવિધ પ્રકારની મિસાઇલો છોડી રહ્યું રહ્યું છે.