Russia Ukraine War: છેલ્લા 24 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક વાટાઘાટો છતા યુદ્ધ રોકાઈ તેવું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આ યુદ્ધમાં હજારો લોકો મોતને ભેટ્યા છે તો લાખો લોકો પલાયન કરીને અન્ય દેશમાં ચાલ્યા ગયા છે. રશિયાની લાખ કોશીશ છતા તે યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શક્યું નથી. જેનાથી ગુસ્સે થયેલી રુસી સેના હવે ઘાતક હથિયારોનો ઉપયોગ કરી રહી છે.
યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો
એક રિપોર્ટ પ્રમાણે રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધમાં પહેલીવાર હાઈપરોસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. આ હાઈપરસોનિક મિસાઈલનું નામ કિંઝલ કે ડૈગર (Kinzhal Missile) છે. આ અંગે મોસ્કોનો દાવો છે કે તે મિસાઈલ દુનિયાની સૌથી ઘાતક મિસાઈલ છે. જો એકવાર તે લોન્ચ થઈ જાય તો દુનિયાની કોઈ એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી.
યુક્રેનનું હથિયારોનું ગોડાઉન ધ્વસ્ત થયું
સામે આવેલી વિગતો અનુસાર આ મિસાઈલએ હથિયારોના ગોડાઉનને ટાર્ગેટ કર્યું હતું. આ ગોડાઉન vano-Frankivsk નામના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડમાં આવેલું છે. યુક્રેને આ ગોડાઉનમાં મોટી માત્રામાં હથિયારો અને ગોળા બારુદ રાખ્યા હતા. રશિયાની ગુપ્તચર એજન્સીને આ અંગે માહિતી મળી હતી ત્યાર બાદ સેનાએ આ હુમલો કર્યો હતો. આ મિસાઈલ કેટલી ઘાતક છે તેનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે તેની સ્પીડ અવાજની ગતિથી 10 ગણી વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ તેને હવામાંથી નીચે પાડી શકતી નથી. પુતિન આ મિસાઈલને રશિયા માટે એક આદર્શ હથિયાર માને છે.
1250 મીલ સુધી નિશાન સાધી શકે છે
કિંઝલ મિસાઈલની ટાર્ગેટ ક્ષમતા અંગે વાત કરીએ તો તે 1250 મીલ સુધી વાર કરી શકે છે. આ મિસાઈલ એક પરમાણુ શક્તિ સપન્ન છે. જો કે રશિયાએ યુક્રેન પર જે મિસાઈલ ફેકી તેમા પરમાણુ બોમ્બ નહોતો. અમેરિકા સહિત પશ્ચિમના કોઈ દેશ પાસે આ મિસાઈલનો તોડ નથી. એટલે જ રશિયા રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશોને ધમકી આપી હતી કે જો કોઈ અન્ય દેશે યુક્રેન યુદ્ધમાં દખલગીરી કરી તો અમારી પાસે આવી મિસાઈલનો મોટો ખજાનો છે.