રશિયાએ યુક્રેનમાં શરુ કરેલા યુદ્ધની અસર સમગ્ર દુનિયા પર થઈ છે. અમેરિકાએ રશિયા પર લાદેલા આર્થિક પ્રતિબંધોથી રશિયા અને અમેરિકાના સંબંધો હવે અંતરીક્ષ સુધી પણ બગડ્યા છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસ વચ્ચે તણાવ ભર્યો માહોલ છે. રશિયા યુક્રેન યુદ્ધથી આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને લઈને ઘણા નિવેદનો થયા હતા. પણ હવે રશિયાએ આ વિષય પર દુનિયાને ડરાવતો વીડિયો જાહેર કર્યો છે. 


રશિયાની સરકારી મીડિયા સંસ્થા નોવોસ્તીએ એક વીડિયો જાહેર કર્યો છે. જે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રશિયાના કોસ્મોનોટ્સ સ્પેસ સ્ટેશન પર રહેલા બાકીના એસ્ટ્રોનોટ સાથે મળે છે. પછી સ્પેસ સ્ટેશનના પોતાના મોડ્યુલમાં જતા રહે છે. ત્યાર બાદ રશિયાનું મોડ્યુલ સ્પેસ સ્ટેશનથી અલગ થઈ જાય છે. આ ઘટનાનું મોનીટરીંગ ધરતી પર રહેલી રશિયાની સ્પેસ એજન્સી દ્વારા કરવામાં આવે છે. 






અમેરિકા અને રશિયાના શીત યુદ્ધ બાદ વિજ્ઞાન ક્ષેત્રનો સૌથી મોટો કરાર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે. શીત યુદ્ધ પછી રશિયા અને અમેરિકાએ અલગ-અલગ રસ્તા પસંદ કર્યા હતા. પણ પછી બંને દેશોએ સાથે કામ કરવા માટે તૈયારી બતાવી હતી પછી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બન્યું હતું. આ સ્પેસ સ્ટેશન બનાવવા માટે જાપાન, યુરોપ, અને કેનેડા પણ સાથે જોડાયા હતા. 30 વર્ષોથી અમેરિકા અને રશિયાની સ્પેસ એજન્સી સાથે કામ કરી રહી છે. 


હવે યુક્રેન પર રશિયાએ કરેલા યુદ્ધથી અમેરિકા અને રશિયાના સંબંધો ફરીથી બગડ્યા છે. જેની અસર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી થઈ છે. નાસા વોચ બ્લોગે રશિયાની મીડિયા કંપની નોવોસ્તી દ્વારા જાહેર કરાયેલા વીડિયોને શેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, રશિયન સ્પેસ કંપની ISS પ્રોગ્રામને ખુલ્લેઆમ ધમકી આપી રહી છે. જો કે, આ પહેલાં પણ રશિયાએ 2024 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી પોતાનું મોડ્યુલ અલગ કરી લેશે. 2024 પહેલાં હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રશિયાએ આ વીડિયો જાહેર કરતાં દુનિયામાં હડકંપ મચી ગયો છે.