Wagner Chief House Raid: રશિયાના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ બળવો પોકારનારા અને 25,000 સૈનિકો સાથે રાજધાની મોસ્કો પર કબજો કરવાના ઈરાદે કૂચ કરનારા વેગનર આર્મી ચીફ પર રશિયાની એજન્સી ત્રાટકી છે. રશિયન સુરક્ષા દળોએ આખરે વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનના વૈભવી બંગલા અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB)એ જણાવ્યું છે કે, બંદૂકો, દારૂગોળો, સોનાની લગડીઓનો સંગ્રહ, વિગથી ભરેલો એક કબાટ, એક વિશાળ સ્લેજહેમર અને એક સ્ટફ્ડ એલિગેટર વેગનર ચીફના મહેલના બંગલામાં મળી આવ્યા છે. 


ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે બળવો કરીને અને નિષ્ફળ બળવા બાદ ખાનગી આર્મી જૂથ વેગનરના વડા યેવજેની પ્રિગોઝિનને તેમનો વૈભવી મહેલ છોડવો પડ્યો હતો. યેવજેની પ્રિગોઝિન વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીના ફોટો અને વિડિયો સૌપ્રથમ ક્રેમલિન તરફી ન્યૂઝ પેપર ઇઝવેસ્ટિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આઉટલેટ મુજબ, ફોટામાં વેગનર નેતાના કથિત દુશ્મનોના વિચ્છેદ કરાયેલા માથા પણ દૃશ્યમાન છે.


યુક્રેનિયન અધિકારી એન્ટોન ગેરાશ્ચેન્કોએ ટ્વિટર પર ફોટા શેર કરતાં લખ્યું: "સેન્ટ પીટર્સબર્ગમાં પ્રિગોઝિનના ઘરની શોધ દરમિયાન લેવામાં આવેલા ઘણા વધુ ફોટા. તેમના એવોર્ડ સાથે યુનિફોર્મ, વિગ કલેક્શન, સ્લેજહેમર અને કપાયેલા માથા સાથેનો ફોટો."






 


આ ફોટામાં બાથિંગ એરિયા સાથેનો લાંબો ઇન્ડોર સ્વિમિંગ પૂલ પણ જોઈ શકાય છે. જ્યારે કપડાની વસ્તુઓમાં ગ્રેથી બ્રાઉન સુધીના વિગ્સ દેખાય છે, જેમાં કથિત રીતે વેગનર ચીફ તરીકે પોશાક પહેરેલા ફોટા રાજ્ય સમર્થિત રશિયન ટેલિગ્રામ ચેનલો પર લીક કરવામાં આવ્યા છે.






 


ધ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, યેવજેની પ્રિગોઝિનના ફોટા દેખીતી રીતે વિવિધ આફ્રિકન અને મધ્ય પૂર્વીય દેશોની મુલાકાત દરમિયાન લેવામાં આવ્યા હતા જ્યાં તાજેતરના વર્ષોમાં વેગનર જૂથની હાજરી હતી. જ્યારે રશિયન સુરક્ષા દળોએ રશિયામાં વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનના ઠેકાણા પર દરોડા પાડ્યા ત્યારે તેઓએ દરેક ખૂણે શોધખોળ કરી હતી. આ ઉપરાંત આઉટલેટે રશિયન રાજ્યની ચેનલ રોસિયા-1 ટીવીને ટાંકીને જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન તેઓએ વેગનર ચીફની ઓફિસની પણ તલાશી લીધી હતી. એક કારમાંથી નોટોથી ભરેલું બંડલ બોક્સ મળ્યું, જેમાં એફએસબીને વેગનર ચીફની મિલકતોમાં 600 મિલિયન રુબેલ્સ રોકડ મળ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી અલગ-અલગ નામે અનેક પાસપોર્ટ પણ મળી આવ્યા હતા.




પ્રિગોઝિનના ઠેકાણા પર આ દરોડો તેના બળવો અને મોસ્કો પર કૂચ અટકાવ્યા પછી કરવામાં આવ્યો છે. જો કે, બળવો શાંત કર્યા પછી તેને બેલારુસમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. 27 જૂને બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ આની પુષ્ટિ કરી હતી.