નવી દિલ્હીઃ કોરોના વાયરસની દવા શોધવા વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં હોડ લાગી છે. આ દરમિયાન રશિયાના રક્ષા મંત્રાલયે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. રશિયન સેના પ્રમાણે, કોવિડ 19ની રસી તૈયાર કરીને સૈનિકો પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. આ ટ્રાયલ આગામી મહિનાના અંત સુધી ખતમ થઈ જશે. રશિયાના રક્ષા વિભાગના જણાવ્યા પ્રમાણે, 3 જૂને સૈનિક વોલેંટિયર્સને પ્રથમ જથ્થો 48 સેન્ટ્રલ રિસર્ટચ સેન્ટર પર પહોંચી ગયો છે. આ પરીક્ષણ માટે 50 સૈન્યકર્મીની પસંદગી કરવામાં આવી છે. જેમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે. તમામ લોકોની મેડિકલ તપાસ કર્યા બાદ રસીનો ડોઝ તૈયાર કરવામાં આવશે. આ તમામ સૈન્યકર્મીએ સ્વેચ્છાથી આધુનિક દવાના પરીક્ષણમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સરકારી નિવેદન પ્રમાણે રસી માટે ક્લીનિકલ ટ્રાયલ જુલાઈના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ દરમિયાન રશિયામાં એન્ટી વાયરલ દવાની સાથે પણ પરીક્ષણ ચાલી રહ્યું છે, જેની સાથે ભારત પણ ટેસ્ટ કરી રહ્યું છે. ફેવીપિરાવિર નામની દવાથી બનેલી એફિવિર લઈને રશિયાના હોસ્પિટલોમાં ટ્રાયલ શરૂ છે. ભારતમાં એક જાણતી દવા કંપની પણ એન્ટી વાયરલ દવા ફેવીપિરાવિર સાથે પ્રયોગ કરી રહી છે. આ દવા સિપ્લાંઝા નામથી બજારમાં આવવાની શક્યતા છે.  ભારતીય વૈજ્ઞાનિકોને આ દવાથી ઘણી આશા છે. જો દવાના પરીક્ષણમાં સફળતા મળશે તો ભારતમાં તેનું ઉત્પાદન સરળતાથી શરૂ થઈ જશે.