Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ રશિયન સેનાએ યુક્રેનમાં ઘુસીને હુમલા શરુ કર્યા હતા. આ સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનના નાગરીકોએ અને સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આ સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી 40 યુક્રેનના સૈનિકો અને 10 યુક્રેનિયન નાગરીકોના મોત થયાં છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મહત્વનું નિવેદન આપ્યું
યુક્રેનમાં રશિયાએ શરુ કરેલા યુદ્ધ વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે, હાલ રશિયા "નાઝી જર્મની" જેવું વર્તન કરી રહ્યુ છે અને એવી જ સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ પહેલાં રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી યુક્રેનની સેના સરેંડર નહી કરે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.
રશિયા સામે હવે નાટો દેશ પણ કાર્યવાહી કરે તેવી પુરી સંભાવના છે ત્યારે ફ્રાંસ યુક્રેનને પોતાના તમામ પ્રકારના સમર્થનથી મજબુત કરશે તેવું ફ્રાંસના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે. આ સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા અંગે ફ્રાંસના લોકોને સંબોધન કરશે.
મિસાઈલ હુમલા બાદ રશિયાએ યુક્રેન પર ટેન્કથી હુમલા કરવાનું શરુ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર યુક્રેનના મારિયુપોલ શહેરમાં ઘણી ટેન્ક ઘુસી છે. ત્યાં એરપોર્ટ પાસે ધુમાડો નીકળવાની ખબરો પણ આવી છે. યુક્રેનના બીજા શહેરોમાં પણ એરપોર્ટ પર હુમલા થઈ રહ્યા છે. યુક્રેનના લુંગાસ્કમાં બે શહેરોએ રશિયન સેના સામે આત્મ સમર્પણ કર્યું છે. રશિયન સેના આ શહેરોમાં ઘુસી હતી અને હુમલા કર્યા હતા. ત્યાર બાદ આ શહેરોમાં તૈનાત યુક્રેનના સૈનિકોએ બગડતી સ્થિતિને જોઈ આત્મ સમર્પણ કર્યું હતું.
રશિયા દ્વારા સૌથી પહેલાં યુક્રેનની રાજધાની પર મિસાઈલો છોડવામાં આવી હતી જેમાં ઘણું નુકસાન થયું હોવાના અહેવાલો છે. રશિયા હવાઈ હુમલા કરવાથી પાછળ નથી રહ્યું. રશિયાએ યુક્રેનના શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા જેની તસવીરો સામે આવી તે ખુબ ભયાવહ છે.