કિયાવઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન સામે યુધ્ધની જાહેરાત કરીને આક્રમણ કરતાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે. પુતિને યુધ્ધની જાહેરાત કરી એ સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો હતો. રશિયાના લશ્કરે યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલથી હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

Continues below advertisement


બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ રશિયાના હુમલાને રોકવા વિશ્વના તમામ દેશોને એક કરવા માંડ્યા છે. રશિયા-યુક્રેન તણાવ મુદ્દે યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલ (UNSC)ની આ બેઠક ચાલી રહી હતી ત્યે જ પુતિને હુમલાની આ જાહેરાત કરી હતી.  રશિયાની જાહેરાતના કારણે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.


સામે રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન સામે કાર્યવાહીની જાહેરાત કરતાં ધમકી આપી કે, અમારી કાર્યવાહી સામે કોઈ બહારથી દખલગીરી કરશે તો  તેમણે એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.  ઇતિહાસમાં પહેલાં ક્યારેય નહીં જોયાં હોય એવાં પરિણામો ભોગવવા યૈતાર રહેવું પડશે. પુતિન આડકતરી રીતે અમેરિકાને જ આ ધમકી આપી છે કેમ કે યુક્રેન સામે હુમલા મુદ્દે અમેરિકા જ દખલગીરી કરી શકે ચે.


 પુતિને કહ્યું હતું કે રશિયા કોઈપણ ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં. તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમે મને સાંભળ્યો હશે.


રશિયાએ યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા કર્યા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.


રશિયાએ દાવો કર્યો છે કે, યુક્રેનનાં લોકોને જોખમ નથી, માત્ર લશ્કરી  ઠેકાણાં જ અમારા નિશાન પર છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે યુરોપીયન યુનિયનની પણ  બેઠક મળી રહી છે.