Ukraine Russia War:

  છેલ્લા એક મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમા હજારો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ બન્ને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ છે, છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ન્યૂઝ એજન્સી AFPના રિપોર્ટ પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેન યુદ્ધને લઈ યુરોપિયન નેતાઓ સાથે ફોન પર વાત કરશે.


રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરાવવા ભારત મધ્યસ્થી કરશે?


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 34મો દિવસ છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા માટે પણ પ્રયાસો ચાલુ છે. યુનાઇટેડ નેશન્સ પણ યુદ્ધને સમાપ્ત કરવા માટે તેના તરફથી પ્રયાસ કરી રહ્યું છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું હતું કે, તેઓ યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવાના મધ્યસ્થી પ્રયાસો માટે ભારત, તુર્કી, ચીન અને ઇઝરાયેલ સહિતના અન્ય દેશો સાથે સંપર્કમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી (યુદ્ધ) શરૂ કરી હતી. ગુટેરેસે પત્રકારોને જણાવ્યું હતું કે, હું એવા ઘણા દેશો સાથે નજીકના સંપર્કમાં છું જે રાજકીય ઉકેલ માટે મધ્યસ્થતાના વિવિધ રસ્તા શોધવા માટે બંને પક્ષોના ઉચ્ચ સ્તરે વાત કરી રહ્યા છે.






યુએન ચીફ ભારત સહિત ઘણા દેશોના સંપર્કમાં


યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વધુમાં કહ્યું કે, હું મારા તુર્કીના મિત્રો સાથે ખૂબ જ નજીકના સંપર્કમાં છું. એ જ રીતે, હું ભારત તેમજ કતાર, ઈઝરાયેલ, ચીન અને ફ્રાન્સ અને જર્મની સાથે પણ સંપર્કમાં રહ્યો છું. હું માનું છું કે આ તમામ પ્રયાસો આ યુદ્ધને સમાપ્ત કરવા માટેની પરિસ્થિતિ બનાવવા માટે જરૂરી છે. જ્યારે ગુટેરેસેને પૂછવામાં આવ્યું કે, શું તે બધા દેશો તેમના પ્રયાસને સમર્થન આપી રહ્યા છે, તો એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મને એવી આશા છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુએન હેડક્વાર્ટર ખાતે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને યુક્રેન, અફઘાનિસ્તાન અને મ્યાનમારની સ્થિતિ પર ચર્ચા કરી હતી.