Russia Ukraine war : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. કોઈપણ યુદ્ધને રોકવા માટે રાજદ્વારી વાતચીત મહત્વપૂર્ણ છે. પરંતુ હવે બંને દેશો વચ્ચે મુત્સદ્દીગીરીમાં ઝપાઝપી થવા લાગી છે. તુર્કીમાં ચાલી રહેલી સમિટ દરમિયાન, એક રશિયન રાજદ્વારીએ યુક્રેનનો ધ્વજ છીનવી લીધો હતો. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર બંને પક્ષો ઝપાઝપી પર ઉતરી આવ્યા હતાં. આ ઘટના બ્લેક સી ઈકોનોમિક કોઓપરેશન પાર્લામેન્ટરી એસેમ્બલી (PABSEC) દરમિયાન બની હતી. જો કે, વીડિયોની એક બાજુ જોતા એવું લાગે છે કે અહીં રશિયાની ભૂલ હતી.


પરંતુ બીજી બાજુ જાણીએ તો ખબર પડશે કે, આવું યુક્રેનની ઉશ્કેરણી બાદ થયું છે. વાસ્તવમાં રશિયન ડેલિગેશનની સભ્ય ઓલ્ગા ટિમોફીવા એક ચેનલને ઈન્ટરવ્યુ આપી રહી હતી. આ દરમિયાન યુક્રેનના સાંસદ ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કી તેમની પાછળ ઉભા રહ્યા અને યુક્રેનિયન ધ્વજ ફરકાવવા લાગ્યા હતાં. આ બાબત ધ્યાને આવતા રશિયન પ્રતિનિધિમંડળના અન્ય સભ્ય વેલેરી સ્ટેવિટસ્કીએ યુક્રેનિયન સાંસદના હાથમાંથી ધ્વજ ખેંચી લીધો હતો. ત્યાર બાદ રશિયા અને યુક્રેનના રાજદ્વારીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી જામી હતી. 


અંકારામાં આયોજિત બ્લેક સી ઈકોનોમિક કોઓપરેશન (PABSEC)ના સંગઠનની 61મી જનરલ એસેમ્બલી દરમિયાન ગુરુવારે (4 મે) રશિયા અને યુક્રેનના નેતાઓ વચ્ચે મુઠ્ઠીભરી લડાઈ થઈ હતી. આ પરિષદમાં કાળો સમુદ્ર ક્ષેત્રના દેશો આર્થિક, તકનીકી અને સામાજિક પર બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.
 
રશિયન પ્રતિનિધિને મુક્કો માર્યો હતો


યુક્રેનના વિશેષ સંવાદદાતા અને રાજકીય સલાહકાર જેસન જે સ્માર્ટે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો શુક્રવારે ની સવાર સુધી 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુક્રેનના સંસદસભ્ય ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર વિડિઓ પોસ્ટ કર્યો. ન્યૂઝવીકે પણ મેરીકોવસ્કીની પોસ્ટને ટાંકીને આ ઘટનાની જાણ કરી હતી.






વીડિયો શેર કર્યો


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુક્રેનના સાંસદો રશિયન ડેલિગેશનના સભ્યને માર મારી રહ્યા છે. મુક્કો મારતી વખતે સાંસદે ધ્વજ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ત્યાં ઉભેલા કેટલાક લોકોએ બંનેને અલગ કર્યા હતા. આ ઘટના બાદ એલેક્ઝાન્ડર મેરીકોવસ્કીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જ્યારે માહિતી અનુસાર, સ્ટેવિટ્સ્કીને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે રશિયન સભ્ય કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા ત્યારે પણ તેની પાછળ યુક્રેનિયન ધ્વજ ઉંચો હતો. આ હુમલામાં રશિયાના પ્રતિનિધિને નાકના ભાગે ઈજા પહોંચી હતી. તેમના નાકનો ભાગ સોજાઈ ગયો હતો. 


રશિયન રાષ્ટ્રપતિ પર હુમલો


બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રશિયાએ ક્રેમલિન પર હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ હુમલો તેમના તરફથી નથી કરવામાં આવ્યો. બંને ડ્રોનને રડાર વોરફેર સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.