Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો છઠ્ઠો મહિનો શરૂ થઈ ગયો છે. યુક્રેનની સેનાએ અત્યાર સુધીમાં રશિયન આર્મીના દારૂગોળાના 50 ડેપો નષ્ટ કર્યા છે. અમેરિકાએ આપેલી હિમરસ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ જૂન મહિનામાં યુક્રેનને હથિયાર આપ્યા હતા. યુક્રેનના રક્ષામંત્રી ઓલેક્સી રેઝનિકોવે કહ્યું, અમેરિકાથી આવેલા ઉચ્ચ ગતિશીલતાળા આર્ટિલરી રોકેટ સિસ્ટમ હિમારસે શાનદાર પ્રદર્શન કર્યુ અને રશિયાને બચવાનો મોકો નથી આપ્યો.
હાલમાં રશિયાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રેઝનિકોવે કહ્યું કે, યુક્રેનિયન આર્ટિલરીએ ઘણા પુલો પર ચોક્કસ હુમલા કર્યા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમરસ રોકેટ સિસ્ટમે ગયા અઠવાડિયે ખેરસન પ્રદેશમાં નદી કિનારે અનેક હુમલા કર્યા હતા. જેનો એક વીડિયો પણ યુક્રેને બહાર પાડ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન એન્ટી એર ડિફેન્સ S-300 સેલનો નાશ કર્યો છે.
આ લાંબા સમયના યુદ્ધમાં પરિસ્થિતિ હવે એવી ઉભી છે કે, રશિયન સૈન્ય યુક્રેનના રહેણાંક વિસ્તાર ઉપર હુમલો કરવા માટે એસ-300 મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે. સોવિયેત યુગની S-300 મિસાઇલો સૌપ્રથમ 1979માં તૈનાત કરવામાં આવી હતી. આ મિસાઇલો સોવિયેત એર ડિફેન્સ ફોર્સ માટે હવાઈ હુમલા સામે રક્ષણ કરવા અને ક્રુઝ મિસાઇલોનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જ્યારે યુક્રેન અમેરિકાની મદદથી તેમને નષ્ટ કરી રહ્યું છે.
રશિયા સામે યુદ્ધ અપરાધના આરોપોઃ
રશિયા દ્વારા ઉપયોગમાં લેવાતી S-300 મિસાઇલો ખાસ વિસ્ફોટકથી સજ્જ હતી. જ્યાં પણ આ મિસાઈલો પડી ત્યાં તેની આસપાસની દરેક વસ્તુનો નાશ થઈ ગયો. આ મિસાઇલોના ઉપયોગથી હવે રશિયા સામે યુદ્ધ અપરાધોના આરોપો વધી રહ્યા છે.