યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. રશિયન દળોએ યુક્રેનિયન સેનાના બેઝ  નષ્ટ કરી દીધા છે અને બાકીના કેટલાક બેઝ પર  સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુક્રેન વારંવાર દાવો કરી રહ્યું છે કે રશિયા તેમના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસકીની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ નિવાસ પર રોકેટનો એક ટુકડો પડ્યો હોવાનું મળી આવ્યું છે. જેને યૂક્રેન રાષ્ટ્રપતિ પર કરવામાં આવેલો હુમલો બતાવવામાં આવી રહ્યો છે.


રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતે તેમના નિવાસની બહાર પડેલા આ રોકેટના ટુકડાને લઈ  ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, આ  નિશાન ચૂકી ગયું છે... એટલે કે ફરી એકવાર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાનો કબજો



યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થશે તો આખું યુરોપ બરબાદ થઈ જશે. તેમણે કહ્યું કે ન્યુક્લિયર પાવર સ્ટેશન પર તબાહીથી યુરોપને નષ્ટ ન થવા દેવું જોઇએ. રશિયન સેનાએ ઝાપોરિઝ્ઝ્યા પર હુમલા બાદ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.


ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી



કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે પોલેન્ડમાં જણાવ્યું હતું કે આજે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી છે.  તેને  અડધે રસ્તેથી કિવ પરત લઈ જવામાં આવ્યો હતો. 



રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. રશિયન સેનાના હુમલા બાદ હવે યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં ખાર્કીવ, ચેર્નિહિવ, બોરોદયાંકા સહિતના શહેરોમાં હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં માત્ર 24 કલાકમાં જ 22 લોકોના મોત થયા છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન યુદ્ધના મેદાનમાંથી ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવવા માટે સહમત થયા છે, પરંતુ હજુ પણ યુદ્ધવિરામ પર સહમતિ બની નથી.