Russia Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધને આજે 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડાઓ જાહેર કરીને જણાવ્યું કે તેણે યુદ્ધમાં રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, 42 UAV અને 15 વિશિષ્ટ સાધનોને નષ્ટ કર્યા છે.


યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઉત્પન્ન માનવીય સંકટ અંગે મુસદ્દાના પ્રસ્તાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદમાં મતદાન થવાની સંભાવના વચ્ચે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા ન્યૂયોર્ક પહોંચ્યા છે. શ્રૃંગલા સંયુક્ત રાષ્ટ્ર અને અરબ દેશો વચ્ચેની લીગ વચ્ચે સહયોગ અંગેની સુરક્ષા પરિષદની બેઠકમાં શામેલ થશે.


સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરૂમૂર્તિએ ટ્વિટ કર્યું, “વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાનું ન્યૂયોર્કમાં સ્વાગત કરીને પ્રસન્નતા થઇ. વિદેશ સચિવ સંયુક્ત રાષ્ટ્ર અને અરબ દેશની લીગ વચ્ચે સહયોગ અંગેની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં સામેલ થશે. ” ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને શ્રૃંગલાએ ગત વર્ષે અફઘાનિસ્તા અંગેના અન્ય સત્રમાં ભાગ લીધો હતો. જોકે, તેઓ યુએનજીએ દ્વારા યુક્રેનની સ્થિતિ અંગે પ્રતિદ્વંદી મુસદ્દાના પ્રસ્તાવોને લઇને અમુક કલાકો પહેલા જ અમેરિકા પહોંચ્યા.


ભારત પર અમેરિકા કરી રહ્યું છે દબાણ


અત્યાર સુધી ભારતે યુક્રેન પર થયેલા રશિયાના આક્રમણ અંગે સાર્વજનિક ટીકા કરી નથી પરંતુ યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ પર તેનું વલણ બદલવા માટે અમેરિકા અને અન્ય પશ્વિમી દેશોના વધી રહેલા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.  યુક્રેન મામલે ભારતે વારંવાર દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરીને વાતચીતના રસ્તા પર પરત ફરવા આહ્વાન કર્યું છે. યુક્રેન સંકટ અંગે ભારત તેની સ્થિતિ બદલે તેવું દબાણ છે ત્યારે આ સમયે ન્યૂયોર્કમાં શ્રૃંગલાની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે. કારણ કે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું, “સંભવિત અપવાદ ભારત સાથે યુક્રેન વિરુદ્ધ રશિયાના આ આક્રમણ સામે નાટો અને ક્વાડનો સંયુક્ત મોરચો ઉભો છે.


ભારતના પગલાની વિશ્વમાં થઈ રહી છે પ્રશંસા


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદેશ મંત્રાલય જે રીતે પગલાં ભરી રહ્યું છે, તેની પ્રશંસા આખી દુનિયા કરી રહી છે. થોડાંક દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ખૈબર-પખ્તૂનખાં પ્રાંતમાં આયોજિત એક સાર્વજનિક રેલીમાં એક સ્વતંત્ર વિદેશ નીતિનું અનુસરણ કરવા માટે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, યુક્રેન પર હુમલો કરવા બદલ મોસ્કો પર અમેરિકાએ પ્રતિબંધો લગાવેલા હોવા છતાં ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું. તેના જવાબમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું હતું કે ભારતનો પોતાનો રેકોર્ડ જ આ વાતની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું હતું કે એમ કહેવું ખોટું હશે કે ફક્ત એક નેતાએ ભારતની પ્રશંસા કરી છે. શ્રૃંગલાએ કહ્યું, 'એક વ્યક્તિ એમ કહેવું યોગ્ય નથી. મને લાગે છે કે અમારી અનેક વિદેશ નીતિની પહેલો માટે અમને વડાપ્રધાન સ્તર પર વિવિધ વર્ગોની પ્રશંસા મળી છે. મને લાગે છે કે અમારો રેકોર્ડ પોતે જ આ બાબતની પુષ્ટિ કરે છે.