Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. કિવને કબજે કરવા રશિયાએ હુમલા તેજ કર્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
યુક્રેનના ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી હતી. વાસિલકીવ શહેરમાં એક તેલ ડેપોને પણ રશિયન બેલેસ્ટિક મિસાઇલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. કિવમાં ઓઈલ ડેપો પર મિસાઈલ હુમલા બાદ ઝેરી ધુમાડો ફેલાઈ ગયો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અને ઘરની બારી પણ ન ખોલવા ચેતવણી આપવામાં આવી છે.
એક બાજુ રશિયન સૈનિકો જબરદસ્ત હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ યુક્રેને પણ પલટવાર કરવાનું મન બનાવી લીધું છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.
યુક્રેને ફોટા પણ જાહેર કર્યાઃ
આ દરમિયાન, યુક્રેનની સૈનાએ કહ્યું કે, તેઓએ બીજા રશિયન વિમાનને તોડી પાડ્યું છે. આ વિમાનના ફોટા પણ જાહેર કર્યા છે. યુક્રેનના સૈનિકોએ કહ્યું કે, આ રશિયન વિમાન ખાર્કોવ શહેરની ઉપર આકાશમાં આવ્યું હતું એ સાથે જ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ પહેલા યુક્રેને કાળા સમુદ્રમાં અન્ય એક રશિયન વિમાન રશિયન SU-30ને તોડી પાડવાનો દાવો કર્યો હતો.